ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને જોડતા માર્ગ પર પ્રથમ વરસાદે જ ખોલી પોલ, સાઈડ શોલ્ડરની માટી ધોવાઈ ગઈ
રિફ્લેક્ટર, રોડ માર્કિંગ, સૂચન બોર્ડ અને RCC નાળાં સહિતના કામો બાકી, ચોમાસામાં અકસ્માતનો ખતરો વધ્યો
પ્રતિનિધિ, ગોધરા, તા. 01
ગોધરા તાલુકાના પઢિયારથી વેગનપુર માર્ગ પર અંદાજિત ₹3 કરોડના ખર્ચે હાથ ધરાયેલા ડામર રી-સર્ફેસિંગના કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું છોડી દેવામાં આવતા માર્ગની સ્થિતિ ફરી એકવાર જોખમી બની ગઈ છે. એટલું જ નહીં, કરાયેલા ડામર કામની ગુણવત્તા પણ સવાલો ઉભા કરી રહી છે, કારણ કે વાહનોની અવરજવરથી અનેક સ્થળોએ ડામર ઉખડવા લાગ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ માર્ગ વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને આગેવાનોની અવરજવર રહે છે. તેમ છતાં માર્ગના કામમાં બેદરકારી દાખવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ટેન્ડરની શરતો મુજબ રસ્તાની બંને બાજુના ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા નથી. પરિણામે અનેક સ્થળોએ ડાળી-ડાળખાં માર્ગ પર આવી જતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો સાઈડ શોલ્ડરના કામમાં સામે આવ્યો છે. ટેન્ડર મુજબ રોડની બંને બાજુ ક્વોરી સ્પોલ (પથ્થર) નાખીને મજબૂત શોલ્ડર બનાવવાના હતા. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરના બદલે સામાન્ય માટી નાખવામાં આવી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. પ્રથમ વરસાદ પડતા જ આ માટી ધોવાઈ જતાં સમગ્ર કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
આ ઉપરાંત માર્ગ સુરક્ષા માટે જરૂરી રોડ ફર્નિચર અને અન્ય સુવિધાઓ પણ હજુ અધૂરી છે. રસ્તાની વચ્ચે તથા કિનારીએ સફેદ અને પીળા પટ્ટા મારવાના બાકી છે, રાત્રિના સમયે માર્ગદર્શક રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી અને દિશા સૂચક તેમજ ચેતવણી બોર્ડ પણ ગાયબ છે. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેના RCC નાળાં અને સુરક્ષા માટેના ક્રેશ બેરિયર જેવા મહત્વના કામો પણ પૂર્ણ થયા નથી.
સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા સમયસર ગુણવત્તાયુક્ત રીતે બાકી રહેલા તમામ કામો પૂર્ણ નહીં કરાવવામાં આવે તો ચોમાસા દરમિયાન અકસ્માતોની સંભાવના વધી શકે છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો માર્ગ ફરી બિસ્માર હાલતમાં પહોંચી શકે છે. હવે લોકોની નજર જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લેવાતી કાર્યવાહી પર મંડાઈ છે.
રિપોર્ટર: આશિષ બારીયા