Comments

ભારતમાં રાતના તાપમાનમાં પણ ચિંતાજનક રીતેથતા વધારાના ઉપાયકરવા જોઇએ

દુનિયાના સૌથી 100 ગરમ શહેરનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાંથી 97 શહેર ભારતના હતા જે ગંભીર બાબત કહી શકાય તેમ છે. જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગ વિશે વારંવાર વાતો કરવામાં આવે છે. તેના નિરાકરણ માટે શું કરવું તેની ચર્ચા થઈ રહી છે.જળવાયુ પરિવર્તનની સીધી અસર હવે દેખાવા લાગી છે. તેના પરિણામે દેશભરમાં હિટવેવનાં હૉટસ્પૉટ્સ બની રહ્યાં છે. પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મેટ્રોલૉજી (આઈઆઈટીએમ)ના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં આ વાત બહાર આવી છે.

હિટવેવ એ અસામાન્ય રીતે ગરમ હવામાનનો સમયગાળો હોય છે, જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસ સુધી ચાલે છે.એ સમયગાળાને હિટવેવ તરીકે વ્યાખ્યાયિત કરવા માટે તે ચોક્કસ વિસ્તારમાં તાપમાન ઐતિહાસિક સરેરાશ કરતાં વધારે હોવું જોઈએ. ભારતમાં સતત વધતા તાપમાનના કારણ શોધવા વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે. તેમણે 1981થી 2020 સુધી તાપમાનમાં થયેલા વધારા અને ગરમીના તરંગોનો અભ્યાસ કર્યો છે.

સંશોધનના તારણ મુજબ, ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 1.000.12 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ વધારો આબોહવા પરિવર્તનનું પરિણામ હોવાનું જણાય છે, પરંતુ વૈજ્ઞાનિકો નોંધે છે કે પ્રસ્તુત આંકડો એક ડિગ્રી હોવા છતાં, તેની અસર મોટી દેખાય છે. તેમાં સામાન્ય રીતે દાયકા દીઠ 0.26 0 0.03 0Cનો વધારો થયો છે. જોકે, 21મી સદીની શરૂઆતમાં કુલ 0.5 0C નો વધારો થયો હતો. 1981 ની તુલનામાં 2020 માં 1.0 0C (1.04 0 0.12 0C) નો વધારો થયો હતો. વૈજ્ઞાનિકો નોંધે છે કે આ વધારો શહેરીકરણ અને વનનાબૂદી જેવાં માનવજન્ય પરિબળોને આભારી છે.

સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે મહત્તમ તાપમાનમાં મહત્તમ ફેરફાર ચોમાસા પહેલાંના સમયગાળા દરમિયાન જોવા મળે છે. એક મરાઠી ચેનલ સાથે વાતચીતમાં એક  વૈજ્ઞાનિક પદ્માકુમારીએ કહ્યું હતું કે એક ડિગ્રીનો વધારો ભલે ઓછો હોય, પરંતુ હિટવેવ પર તેની અસર દેખાય છે. આ વધારાને કારણે ગરમીનાં મોજાં વારંવાર અનુભવાઈ રહ્યા છે તથા તે લાંબા સમયગાળાનાં અને વધુ તીવ્ર બની રહ્યાં છે. તેની અસર આરોગ્યથી માંડીને પાણીની માંગમાં વધારાથી પાક પર સર્જાતી તાણ સુધીની ઘણી બાબતો પર પડી રહી છે.

સંશોધનમાં જણાવ્યા અનુસાર, 1981થી 1990 દરમિયાન ગરમીનાં મોજાંનો સમયગાળો લગભગ એકથી ચાર દિવસનો હતો અને તેની અસર મુખ્યત્વે મધ્ય તથા ઉત્તર ભારતમાં જોવા મળતી હતી. એ સમયગાળા દરમિયાન ઉક્ત પ્રદેશોમાં તાપમાન પણ લગભગ 47 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હોવાનું નોંધાયું હતું. 2001થી 2010 દરમિયાન ગરમીનાં મોજાંથી પ્રભાવિત વિસ્તારોનો વ્યાપ વધ્યો છે એટલું જ નહીં, પરંતુ તેનો સમયગાળો બે-ચાર દિવસથી વધીને ચારથી છ દિવસનો થયો હતો.

દ્વીપકલ્પીય વિસ્તારોમાં હિટવેવ ક્યારેક છથી આઠ દિવસ સુધી ચાલુ રહેતી હતી, એવું પણ સંશોધનના આંકડા દર્શાવે છે. તેમાં 2011થી 2020ના દાયકામાં વધુ વધારો થયો હતો. હાલ હિટવેવની અસર વર્ષમાં ચારથી દસ દિવસ સુધી અનુભવાઈ રહી છે. તેનું પ્રમાણ વધ્યું છે અને તેની અસર મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળતી હોવાનું સંશોધનમાં નોંધવામાં આવ્યું છે. અહીં વર્ષમાં આઠથી દસ દિવસ ગરમીનાં મોજાંની અસર અનુભવાય છે.

તાપમાનમાં પણ વધારો નોંધાયો છે અને મહત્તમ તાપમાન 47 ડિગ્રીથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું જોવા મળ્યું છે. 1970થી 2019 વચ્ચે ભારતમાં કુલ 706 હિટવેવ સર્જાઈ હતી. 1970ના દાયકા દરમિયાન વર્ષે સરેરાશ ત્રણ વખત હિટવેવ અનુભવાઈ હતી, જે પ્રમાણ 2020 સુધીમાં વધીને વર્ષે લગભગ 25નું થયું હતું. ભારતમાં હિટવેવના આવર્તન, કુલ સમયગાળો અને મહત્તમ સમયગાળો ત્રણેય વધ્યા છે. તેમના ભૌગોલિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે.

ભારતમાં ભવિષ્યમાં હિટવેવના આવર્તન અને તીવ્રતા વધવાની ધારણા છે. મહત્ત્વની વાત એ છે કે 2015થી 2025 સુધીના દરેક વર્ષને 10 સૌથી વધુ ઉષ્ણ વર્ષો ગણવામાં આવે છે. આ અભ્યાસના તારણ મુજબ, 1960થી દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, ગરમ દિવસો અને ગરમ રાતના પ્રમાણમાં વધારો થયો છે. ભારતમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ તથા તેલંગાણા સહિતના દક્ષિણ દ્વીપકલ્પનાં રાજ્યોમાં જોવા મળી હોવાનું પણ નોંધાયું છે.

આ ઉપરાંત ઇન્ડો-ગેંજેટિક મેદાની પ્રદેશ સહિતનો ઉત્તર ભારતનો મોટો ભાગ પણ હૉટસ્પૉટ હોવાનું નોંધવામાં આવ્યું છે. ડેટા દર્શાવે છે કે દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગનો બોજ દોઢ ગણો વધ્યો છે. ગરમીના હૉટસ્પૉટ્સનો ભૌગોલિક વિસ્તાર 1981-2000ના 11,90,000 ચોરસ કિલોમીટરથી વધીને 2001-2020 સુધીમાં 18,10,000 ચોરસ કિલોમીટર થઈ ગયો હતો.

Most Popular

To Top