Charchapatra

ધર્મપ્રેમી સુરતીઓ ની આસ્થા ‘અધિકમાસ’

હિંદુ કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે વધારા નો મહિનો આવે છે જે અધિકમાસ તરીકે ઓળખાય છે.અધિકમાસ ને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.અધિકમાસ માં શુભકાર્યો થતા નથી. આ મહિનામાં ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. અધિકમાસ માં દાન પુણ્ય નું વિશેષ મહત્વ છે. અધિકમાસ માં સુરતીઓ ધાર્મિકમય બની જતાં હોય છે. પહેલા તાપી નદી બે કાંઠે વહેતી હતી ત્યાંરે તાપી કિનારે સુરતીઓ સ્નાન કરવા જતાં.

તાપીના ઓવારે માનવ મહેરામણ ઉમટી પડતો,તાપી ઓવારે કાંઠા ગોર બેસતા હતા ત્યાં પૂજા પાઠ થાય અને દાન પુણ્ય કરવામાં આવતું, તાપી કિનારે બેસતા જરૂરિયાત મંદ લોકોને અનાજનું દાન કરી પુણ્ય કમાતા. તાપીમાં ઓછા પાણીના કારણે સ્નાનનો મહિમા ઓછો થયો છે. આખો મહિનો શેરી શેરી એ અધિકમાસ ની કથા બેસતી,બ્રાહ્મણો દ્વારા કથાનું વાંચન કરવામાં આવતું અને યજમાનો દ્વારા સીધું આપવામાં આવે. હજુ પણ સુરતીઓ અધિકમાસ માં બેન ભાણેજો માંટે જમણવાર યોજે છે જેમાં માલપુઆ અને દુધપાક અથવા લાડું નું જમણ હોય છે.

આ પ્રસંગે સંયુક્ત પરિવારના નાના મોટા ભાણેજો ને એક બીજાને મળવાનો લ્હાવો મળે છે.અધિકમાસ માં સુરતીઓ એક વાર ડાકોર ના રણછોડરાય ના દર્શને અચૂક જાય છે. અધિકમાસ માં સુરતીઓ ને ત્યાં બિનશાકાહારી ભોજન બનાવવામાં આવતું નથી.આ મહિનામાં સાત્વિક ભોજન બને છે. ઘણાં સુરતીઓ એક ટાણું કરે છે. મગ અને રોટલી ખાઈને અધિકમાસ નું વ્રત પણ ઘણાં લોકો દ્વારા કરવામાં આવે છે. રાધા પુરુષોત્તમ ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસી ચઢાવામાં આવે છે. સુરતમાં તાપીમાતાની મહેર છે. ‘અધિકમાસ માં દુકાળ’ કહેવત ને સુરતીઓ ને લાગતું વળગતું નથી.’અધિકસ્ય અધિકમ ફલમ’ માં આસ્થા ધરાવે છે.અધિકે રાધાપુરુષોત્તમ દેવ કી જય હો..
સુરત              – કિરીટ મેઘાવાલાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top