આ વખતે તો ઉનાળાએ હદ પાર કરી દીધી છે અને જે તાપ વરસાવ્યો છે કે ગરમીથી તો તોબા તોબા થઇ ગયાં છીએ. પછી એમ વિચાર આવે કે ઉનાળામાં તો તાપ પડવાનો જ છે. થોડો સહન કરીને જીવી લેવું. જો ઉનાળાનો તાપ વેઠીશું તો જ ચોમાસાની ઠંડક મળશે. જે ઉનાળો તપે તો ચોમાસામાં મેઘ મન મૂકીને વરસે. સૌને ગમતા વરસાદના કારણમાં તો ઉનાળો જ હોય છે. ઉનાળાની બપોરે દરેક જણ વામકુક્ષી માણીને આરામ ફરમાવતા હોય છે.
પશુ-પંખી પણ ઘટાદાર ઝાડની બખોલમાં ઉનાળાની બપોરે આરામ કરતાં જોવા મળે છે. થોડી વાર ગ્રીષ્મની ગરમી વેઠીએ તો જ વરસાદનું વહાલ મળે. વળી ઉનાળો પણ કેટલાં સરસ ફળો લઇને આવે છે. સકર ટેટી, ચાંપાં, તરબૂચ અને સાથે મધમીઠી કેરી તો ખરી જ. આમ ઉનાળાનું વૈવિધ્ય કાંઇ ઓછું નથી. આમ ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, દરેક ઋતુ પોતપોતાની રીતે આપણા જીવનમાં આગવું સ્થાન ધરાવે છે. એટલે તાપમાં થોડા ખમી જવું સારું એમ હું માનું છું.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.