ટ્વિશા શર્મા ના રહસ્યમય મોતના કેસમાં હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ ગંભીર નોંધ લીધી છે. કેસમાં નિવૃત્ત જજ અને ટ્વિશાની સાસુ ગિરીબાલા સિંહ ને ઝડપથી મળેલા આગોતરા જામીન, તપાસમાં પ્રભાવ પાડવાના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
માહિતી મુજબ, 33 વર્ષીય ટ્વિશા શર્મા 12 મેના રોજ ભોપાલ સ્થિત તેમના સાસરિયામાં મૃત હાલતમાં મળી આવી હતી. ટ્વિશાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરીબાલા સિંહ દ્વારા દહેજ માટે હેરાનગતિ, માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારજનોએ આ મોતને આત્મહત્યા નહીં પરંતુ શંકાસ્પદ ગણાવ્યું હતું.
કેસમાં સૌથી મોટો મુદ્દો ગિરીબાલા સિંહને ઝડપથી મળેલા આગોતરા જામીનને લઈને બન્યો છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગિરીબાલા સિંહે પુરાવા સાથે ચેડાં કર્યા, CCTV ફૂટેજ લીક કર્યા અને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે તેમને આપવામાં આવેલા જામીન “મેકેનિકલ રીતે” આપવામાં આવ્યા હતા અને કેસની ગંભીરતાને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે ગિરીબાલા સિંહે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા CCTV ફૂટેજની નકલ પોતાના પાસે રાખી અને પસંદગીના ક્લિપ્સ સોશિયલ મીડિયામાં શેર કર્યા. આ સાથે જ સરકારના મતે આ પગલું તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે સુઓ મોટો નોંધ લઈ કેસની સુનાવણી હાથ ધરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેસમાં “ઇન્સ્ટિટ્યુશનલ બાયસ” અને “પ્રોસિજરલ ડિસ્ક્રેપન્સી” જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટમાં રજૂ કરાયેલા નોંધપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આરોપીઓના ન્યાયતંત્ર સાથેના સંબંધોને કારણે તપાસ પ્રભાવિત થઈ હોવાની આશંકા છે.
ટ્વિશાના પરિવારજનોએ CBI તપાસ અને બીજી પોસ્ટમોર્ટમની માંગ પણ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ટ્વિશાના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો હતો. પરિવારનો આરોપ છે કે શરૂઆતની તપાસમાં ઘણી બેદરકારી, ગેરરીતિઓ થઈ હતી.આ કેસમાં ટ્વિશાના પતિ સમર્થ સિંહ પણ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા.બાદમાં તેઓ જબલપુર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. મીડિયા અને લોકો દ્વારા તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા.
બીજી તરફ ગિરીબાલા સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ટ્વિશા ડિપ્રેશન અને નશાની લતથી પીડાતી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિશાએ ગર્ભપાતની ગોળીઓ લીધી હતી. જોકે ટ્વિશાના પરિવારજનોએ આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. હાલ સમગ્ર દેશની નજર આ કેસ પર ટકેલી છે. સુપ્રીમ કોર્ટમાં હવે આગામી સુનાવણી દરમિયાન તપાસમાં દખલ, પુરાવા સાથે ચેડાં અને આગોતરા જામીનની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.