Education

સરકારી ભરતી પરીક્ષાની તારીખોમાં ફેરફાર, AEIAT હવે 7 ના બદલે 13 જૂને યોજાશે

GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા 7 જૂને હોવાથી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય, ઉમેદવારોની મુંઝવણ દૂર :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં મદદનીશ કેળવણી નિરીક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 7 જૂન 2026ના રોજ લેવાનારી પરીક્ષા હવે 13 જૂન 2026ના રોજ યોજાશે.

જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ પણ 7 જૂનના રોજ યોજાનાર હતી. એક જ દિવસે બે મોટી સરકારી ભરતી પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ઉમેદવારો મોટી મુંઝવણમાં મુકાયા હતા. ઘણા ઉમેદવારો બંને પરીક્ષા આપનાર હોવાથી તેમણે બોર્ડ સમક્ષ રજૂઆતો કરી હતી. ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્વરિત નિર્ણય લઈ પરીક્ષા એક અઠવાડિયું પાછી ઠેલવામાં આવી છે. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા 7 મેના રોજ જ સત્તાગત મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ચૂકી છે. ઉમેદવારોને 13 જૂનને ધ્યાને રાખીને તૈયારી કરવા અનુરોધ કરાયો છે. પરીક્ષાના કેન્દ્ર, હોલ ટિકિટ ડાઉનલોડ અને અન્ય નવીનતમ માહિતી માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટની નિયમિત મુલાકાત લેવા તાકીદ કરાઈ છે. પરીક્ષાના ઠરાવની જોગવાઈઓ અને નિયમો અનુસાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઈડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તારીખ ફેરફાર અંગેનો પરિપત્ર તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને રવાના કરી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top