Vadodara

હરણીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ‘અમરદીપ ઇન્ફીનિટી’માં મોટી દુર્ઘટના, 5 મા માળેથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત

સેફ્ટીના સાધનો વિના કામ કરાવાતું હોવાનો સાથી કામદારોનો આક્ષેપ, બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા પરિવારની માંગ

કોન્ટ્રાક્ટર ગોવિંદ અને અમર ગ્રુપ સામે આક્રોશ, સેફ્ટીના નિયમોના ધજાગરા


(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરા શહેરમાં ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા રામભરોસે હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. વડોદરાના હરણી વિસ્તારમાં નિર્માણધીન હાઇરાઇઝ બિલ્ડિંગના પાંચમા માળેથી નીચે પટકાતાં એક 18 વર્ષીય આશાસ્પદ શ્રમિક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. સાથી કામદારોએ કોન્ટ્રાક્ટર પર સેફ્ટીના સાધનો વગર જોખમી રીતે કામ કરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હરણી વિસ્તારમાં ‘અમરદીપ ઇન્ફીનિટી’ નામની હાઇરાઇઝ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. શનિવારે રોજિંદી પ્રક્રિયા મુજબ બિલ્ડિંગના પાંચમા માળે બાંધકામની સામગ્રી (મટીરીયલ) ઉપર ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ત્યાં મજૂરી કામ કરી રહેલા 18 વર્ષીય યુવાન વિક્રમનો અચાનક પગ લપસી ગયો હતો. પાંચમા માળેથી કોઈ પણ સુરક્ષા કવચ વિના યુવક સીધો જમીન પર પટકાતાં ગંભીર ઇજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈને સાઇટ પર દોડધામ મચી ગઈ હતી.

દુર્ઘટના સર્જાતા જ સાઇટ પર હાજર અન્ય શ્રમિકો અને સુપરવાઇઝરો દ્વારા લોહીલુહાણ હાલતમાં વિક્રમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની ગંભીર સ્થિતિને જોતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ઊંચાઈ પરથી પડવાને કારણે યુવકના માથા તેમજ શરીરના અંદરના ભાગે ગંભીર આંતરિક ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું.

રોજીરોટી કમાવવા રાજસ્થાનથી વડોદરા આવ્યો હતો ‘વિક્રમ’
મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય વિક્રમ તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના પહાડપુરા વિસ્તારના ગોલાસણ ગામનો રહેવાસી હતો. ઘરની આર્થિક સ્થિતિ સુધારવા અને બે છેડા ભેગા કરવા માટે તે વડોદરા મજૂરી કામ અર્થે આવ્યો હતો, પરંતુ કાળમુખી બેદરકારીએ તેનો ભોગ લઈ લીધો હતો.

આ અકસ્માત બાદ સાઇટ પર કામ કરતા સાથી શ્રમિકોએ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર ગોવિંદ સામે આક્રોશ ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા છે. શ્રમિકોના જણાવ્યા અનુસાર સાઇટ પર આટલી ઊંચાઈએ કામ કરવા છતાં શ્રમિકોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા જાળી જેવા કોઈ જ સાધનો આપવામાં આવ્યા ન હતા. કોન્ટ્રાક્ટર ગોવિંદ દ્વારા માત્ર કામ પૂરું કરાવવા પર જ ધ્યાન આપવામાં આવતું હતું, શ્રમિકોના જીવની કોઈ કિંમત નહોતી. જો પૂરતી સેફ્ટી રાખવામાં આવી હોત, તો કદાચ વિક્રમનો જીવ બચી શક્યો હોત.

બનાવની જાણ થતાં જ મૃતક વિક્રમના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂક્યું હતું. પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ માત્ર અકસ્માત નથી પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી છે. પરિવારે ‘અમર ગ્રુપ’ના બિલ્ડર અને કોન્ટ્રાક્ટર ગોવિંદ વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની ઉગ્ર માંગ કરી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, સાઇટ પર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top