VIRAL

બાળ યૌન શોષણ કેસમાં માહિતી ન આપતા ઓસ્ટ્રેલિયાએ એલન મસ્કની X પર ફટકાર્યો 4 કરોડથી વધુનો દંડ

એલન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા કંપની X (અગાઉનું ટ્વિટર) ફરી એકવાર વિવાદમાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે કંપની પર 6.50 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે 4.65 લાખ અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી બાળકોની જાતીય સતામણી (Child Sexual Abuse) સંબંધિત સામગ્રી અંગે જરૂરી માહિતી સમયસર ન આપવાના મામલે કરવામાં આવી છે. આ કેસ વર્ષ 2023નો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ઓનલાઈન સલામતી નિરીક્ષક સંસ્થા ‘ઇસેફટી કમિશન’એ X પાસે કેટલીક મહત્વપૂર્ણ વિગતો માગી હતી. કમિશનનો હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો સામે થતી ઓનલાઈન અપરાધિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો હતો. જોકે, X કંપનીએ નક્કી કરેલા સમયગાળામાં જવાબ આપ્યો નહોતો, જેના કારણે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

ફેડરલ કોર્ટના જજ માઈકલ વ્હીલહને પોતાના ચુકાદામાં કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કાયદાકીય જવાબદારીઓનું પાલન કરવું જ પડશે. કોર્ટે X કોર્પોરેશનને 45 દિવસની અંદર 1 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ પણ ઇસેફટી કમિશનરને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર વિવાદ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. X કંપનીએ શરૂઆતમાં દલીલ કરી હતી કે તે ઇસેફટી કમિશન દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપવા કાયદાકીય રીતે બંધાયેલ નથી. પરંતુ કોર્ટએ આ દલીલને ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન સેફટી કાયદા મુજબ કંપનીએ સહકાર આપવો જરૂરી હતો.

ઇસેફટી કમિશને ફેબ્રુઆરી 2023માં ટ્વિટરને નોટિસ મોકલી હતી. ત્યારબાદ માર્ચ 2023માં ટ્વિટરનું Xમાં મર્જર થયું હતું. કંપનીને 29 માર્ચ સુધીમાં જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી નહોતી. Xના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે સમયગાળા દરમિયાન કંપનીમાં મોટા ફેરફારો ચાલી રહ્યા હતા. એલન મસ્કે કંપનીનું ટેકઓવર કર્યું હતું અને મેનેજમેન્ટ બદલાઈ રહ્યું હતું. આથી, સમયસર જવાબ ન આપી શકવાના કારણો હતા. જોકે કોર્ટે આ દલીલોને પૂરતી માન્યતા આપી નહોતી.

કોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ થયું છે કે દુનિયાભરના દેશો હવે સોશિયલ મીડિયા કંપનીઓ સામે વધુ કડક વલણ અપનાવી રહ્યા છે, ખાસ કરીને બાળકોની ઓનલાઈન સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે કડક નિયમો બનાવ્યા છે અને કંપનીઓને જવાબદાર બનાવવા માટે અનેક પગલાં લીધા છે. આ મામલો એલન મસ્ક માટે વધુ એક પડકાર સમાન માનવામાં આવી રહ્યો છે. મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીમાં અનેક નીતિગત ફેરફારો કર્યા હતા, જેના કારણે X વારંવાર ચર્ચામાં રહેતું આવ્યું છે. હવે ઓસ્ટ્રેલિયાની આ કાર્યવાહીથી કંપનીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

Most Popular

To Top