‘કોકટેલ 2’ ફિલ્મનું નવું ગીત ‘માશૂકા’ રિલીઝ થતાં જ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે આ ગીત 1993ના એક જૂના ઇટાલિયન ગીતની નકલ છે. બંને ગીતોની ક્લિપ્સ શેર કરીને લોકો દાવો કરી રહ્યા છે કે મ્યુઝિક અને ટ્યુનમાં ઘણી સમાનતા જોવા મળે છે. આ વિવાદ વધતા સંગીતકાર પ્રીતમે પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રીતમે લખ્યું કે, “મારું કોઈ પણ ગીત રિલીઝ થાય એટલે કેટલાક સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ્સ તરત જ એક્ટિવ થઈ જાય છે. હવે તો મને એવું લાગે છે કે તમે બધા મારી અનપેઈડ PR ટીમ છો.”
પ્રીતમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ ગરમાઈ ગઈ હતી. કેટલાક લોકોએ પ્રીતમનો બચાવ કરતા કહ્યું કે સંગીતમાં થોડી ઘણી સમાનતા સામાન્ય બાબત છે અને દરેક ગીતને કોપી કહેવું યોગ્ય નથી. જ્યારે અન્ય કેટલાક યુઝર્સે બોલીવુડ પર નિશાન સાધતા કહ્યું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓરિજિનલ મ્યુઝિક કરતાં કોપી-પેસ્ટ વધુ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે બંને ગીતોની સરખામણી કરતી વિડિઓઝ પણ શેર કરી હતી. આ વીડિયોમાં ‘માશૂકા’ અને ઇટાલિયન ગીતની ટ્યુન વચ્ચે સમાનતા હોવાનું બતાવવામાં આવ્યું હતું. જોકે, પ્રીતમ અથવા ફિલ્મમેકર્સ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોપી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે પ્રીતમ અગાઉ પણ કેટલાક ગીતોને લઈને કોપીના આરોપોમાં ઘેરાઈ ચૂક્યા છે. તેમ છતાં, તેમના ગીતો હંમેશા લોકપ્રિય રહેતા આવ્યા છે અને બોલીવુડમાં તેઓ સફળ સંગીતકાર તરીકે ઓળખાય છે.