National

ઇબોલાના ખતરા વચ્ચે ભારતે દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ છેલ્લી ઘડીએ સ્થગિત કરી

આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા જીવલેણ ઇબોલા વાયરસની અસર હવે વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે. ભારત સરકારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રતિષ્ઠિત ‘ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારતના નાગરિકોની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. આ સમિટ 28થી 31 મે દરમિયાન દિલ્હીમાં યોજાવાની હતી. તેમાં આફ્રિકાના 40થી વધુ દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને હજારો પ્રતિનિધિઓ ભાગ લેવાના હતા. પરંતુ આફ્રિકાના કેટલાક દેશોમાં ઇબોલાના વધતા કેસોને કારણે ભારત સરકારે જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય અને આફ્રિકન યુનિયન વચ્ચે થયેલી સંયુક્ત ચર્ચા બાદ આ સમિટ હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે હાલની વૈશ્વિક આરોગ્ય પરિસ્થિતિને જોતા સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

આ સમિટ ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધો માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી હતી. ખાસ વાત એ છે કે આ સમિટ લગભગ 10 વર્ષ પછી યોજાવાની હતી. આ પહેલા 2008, 2011 અને 2015માં ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ યોજાઈ હતી. 2015ની સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક આફ્રિકન દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. આ વર્ષે યોજાનારી સમિટમાં ભારત અને આફ્રિકા વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહકાર માટે નવા રોડમેપ પર ચર્ચા થવાની હતી. હવે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે પાછળ ઠેલાયો છે. ઇબોલાના ખતરા વચ્ચે ભારત સરકારે દેશના તમામ એરપોર્ટ, બંદરો અને એન્ટ્રી પોઇન્ટ્સ પર ખાસ હેલ્થ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને ‘હાઇ રિસ્ક’ દેશોની યાદીમાં મૂક્યા છે.

સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જણાવાયું છે કે આ દેશોમાંથી ભારત આવતા અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરીને આવતા મુસાફરોએ એરપોર્ટ હેલ્થ ડેસ્ક પર ફરજિયાત રિપોર્ટ કરવું પડશે. મુસાફરોની સ્ક્રિનિંગ અને આરોગ્ય ચકાસણી વધુ કડક બનાવવામાં આવી છે. ઇબોલા એક અત્યંત ખતરનાક અને ચેપજન્ય વાયરસ છે. તેના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ભારે થાક, શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં અસહ્ય પીડા, ઉલ્ટી, ઝાડા અને ગળામાં સોજો સામેલ છે. ગંભીર સ્થિતિમાં દર્દીના શરીરમાંથી અચાનક બ્લીડિંગ પણ શરૂ થઈ શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ભારત આ મુશ્કેલ સમયમાં આફ્રિકાના દેશો સાથે મજબૂતીથી ઉભું છે અને જરૂરી તબીબી તેમજ આર્થિક મદદ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આફ્રિકા CDC અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા અને સંભવિત આરોગ્ય સંકટને અટકાવવાની છે.

Most Popular

To Top