ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કેસમાં હવે સતત નવા ખુલાસાઓ અને વિવાદો સામે આવી રહ્યા છે. કેસમાં તાજેતરમાં એવો નવો વળાંક આવ્યો છે કે ટ્વિશાનો મૃતદેહ છેલ્લા ઘણા દિવસોથી AIIMS ભોપાલની મોર્ચ્યુરીમાં જ રાખવામાં આવ્યો છે, જ્યારે પરિવાર સતત ફરી પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યો છે. જોકે કોર્ટે આ માંગ ફરી એકવાર ફગાવી દીધી છે. બીજી તરફ, મૃતદેહને સુરક્ષિત રાખવાના કોર્ટના આદેશથી પોલીસ અને ફોરેન્સિક વિભાગ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
કોર્ટના નિર્દેશ મુજબ ટ્વિશાના મૃતદેહને -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સુરક્ષિત રાખવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં પુરાવા નષ્ટ ન થાય. પરંતુ સમસ્યા એ છે કે મધ્યપ્રદેશની કોઈપણ સરકારી હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં આટલા ઓછા તાપમાનની સુવિધા ઉપલબ્ધ નથી. હાલમાં ટ્વિશાનો મૃતદેહ AIIMS ભોપાલની મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તાપમાન માત્ર -4 ડિગ્રી સુધી જ જાળવી શકાય છે. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, -4 ડિગ્રી પર મૃતદેહ માત્ર 4થી 5 દિવસ સુધી જ યોગ્ય સ્થિતિમાં રહી શકે છે, જ્યારે લાંબા સમય સુધી સાચવવા માટે -50 થી -80 ડિગ્રી જરૂરી છે. આ કારણે હવે કોર્ટના આદેશનું પાલન કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન બની ગયો છે.
ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ સમગ્ર તપાસ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે અપીલ અને કાર્યવાહી મોડું થતાં મૃતદેહની સ્થિતિ ખરાબ થઈ રહી છે, જેના કારણે મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ થઈ શકે છે. પરિવારનું માનવું છે કે આ સમગ્ર કેસમાં શરૂઆતથી જ ગેરરીતિ થઈ રહી છે. પરિવારના વકીલ અંકુર પાંડેએ પણ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ 13 મેના રોજ થઈ ગયું હતું, પરંતુ કથિત ફાંસો અથવા બેલ્ટ ફોરેન્સિક ટીમને 15 મે સુધી આપવામાં આવ્યો નહોતો. પરિવાર પૂછે છે કે ફાંસો જોયા વગર ડોક્ટરોએ મોતનું કારણ કેવી રીતે નક્કી કરી દીધું? ટ્વિશાના પરિવારનો વધુ એક ગંભીર આરોપ એ છે કે પોસ્ટમોર્ટમ દરમિયાન ટ્વિશાની સાસુની બહેન, જે પોતે સિનિયર ડોક્ટર છે, તે AIIMSમાં હાજર હતી. પરિવારનું માનવું છે કે તેની હાજરીથી તપાસ પ્રભાવિત થઈ હોઈ શકે છે.
પરિવારે તપાસ એજન્સીઓ સામે પાંચ મોટા સવાલો ઉભા કર્યા છે. સૌથી પહેલો સવાલ એ છે કે 12 મેની રાત્રે ટ્વિશાનું મોત થયું હોવા છતાં FIR 15 મેના રોજ કેમ નોંધાઈ? બીજો સવાલ એ છે કે કથિત લિગેચર મટિરિયલ ફોરેન્સિક ટીમને સમયસર કેમ સોંપાયું નહીં? પરિવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્શાવાયેલા શરીર પરના ઇજાના નિશાનો અંગે પણ સ્પષ્ટતા માંગે છે. પરિવારના જણાવ્યા મુજબ, 12 મેની રાત્રે લગભગ 10:05 વાગ્યે ટ્વિશા પોતાની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યારબાદ માત્ર 15 મિનિટમાં સાસુનો ફોન આવ્યો કે ટ્વિશા શ્વાસ લઈ રહી નથી. આ 15 મિનિટ દરમિયાન શું બન્યું તે અંગે પરિવાર સતત સવાલો કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે આરોપીની ધરપકડ માટે ઘણી ટીમો બનાવવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી? આ કેસમાં સૌથી વધુ ચર્ચામાં આવેલી બાબત ટ્વિશાની છેલ્લી વોટ્સએપ ચેટ્સ છે. પરિવારના જણાવ્યા પ્રમાણે આ ચેટ્સ ટ્વિશાની માનસિક સ્થિતિ અને ઘરેલુ તણાવની ગંભીર સ્થિતિ દર્શાવે છે. 30 એપ્રિલે ટ્વિશાએ પોતાની માતાને મેસેજ કરીને લખ્યું હતું, “મને અહીં કેમ મોકલી? મારું જીવન નરક બની ગયું છે.” 7 મેની રાત્રે 3 વાગ્યે તેણે લખ્યું હતું, “મા, મને અહીંથી લઈ જા. સમર્થ કહે છે કે તે એક વર્ષથી મને સહન કરી રહ્યો છે.” 9 મેના મેસેજમાં ટ્વિશાએ આરોપ લગાવ્યો હતો કે સમર્થ તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવી રહ્યો છે અને બાળક અંગે પણ અપમાનજનક વાતો કરી રહ્યો છે. મૃત્યુના એક દિવસ પહેલાં, 11 મેના રોજ ટ્વિશાએ લખ્યું હતું, “અહીં બધું સામાન્ય બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ મારું મન ક્યાંય લાગતું નથી.”
આ ચેટ્સ બાદ હવે કેસ વધુ સંવેદનશીલ બની ગયો છે. પરિવારનું કહેવું છે કે આ માત્ર આત્મહત્યાનો મામલો નથી, પરંતુ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. હવે નીચલી અદાલતમાંથી રાહત ન મળતાં ટ્વિશાનો પરિવાર હાઈકોર્ટ જવાની તૈયારીમાં છે. પરિવારજનોએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે પણ મુલાકાત કરી હતી, જ્યાં તેમને ન્યાય માટે જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ, AIIMSના શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર અનેક ઇજાના નિશાનોનો ઉલ્લેખ થયા બાદ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. જ્યારે ટ્વિશાના સાસુ અને તેમના વકીલે આ રિપોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. હાલ સમગ્ર કેસમાં અનેક સવાલો છે, પરંતુ જવાબ હજુ સુધી સ્પષ્ટ નથી. ટ્વિશાના પરિવારની એક જ માંગ છે, તેમની દીકરીને ન્યાય મળે અને સાચું સત્ય સામે આવે.