National

ત્વિશા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! શરીર પર અનેક ઇજાઓ, પરિવારને હત્યાની આશંકા

રાજધાનીમાં ચર્ચાનો વિષય બનેલા ત્વિશા શર્મા મૃત્યુ કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. AIIMS ભોપાલના ફોરેન્સિક વિભાગ દ્વારા તૈયાર કરાયેલા શોર્ટ PM રિપોર્ટમાં કેટલાક એવા મુદ્દાઓ સામે આવ્યા છે, જેના કારણે ત્વિશાના પરિવારજનોએ હત્યાની શંકા વધુ મજબૂત રીતે વ્યક્ત કરી છે. ખાસ કરીને રિપોર્ટના પહેલા બે મુદ્દાઓ હવે સમગ્ર કેસનું કેન્દ્ર બન્યા છે. 13 મે 2026ના રોજ તૈયાર કરાયેલા આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ત્વિષા શર્માનું મૃત્યુ “એન્ટીમોર્ટમ હેંગિંગ” એટલે કે જીવિત અવસ્થામાં ફાંસી લાગવાના કારણે થયું હોવાનું જણાવાયું છે. પરંતુ તેની સાથે જ રિપોર્ટમાં વધુ એક મહત્વપૂર્ણ બાબત નોંધાઈ છે કે તેના શરીરના અલગ-અલગ ભાગોમાં “Multiple antemortem injuries” મળી આવી છે. ફોરેન્સિક ભાષામાં તેનો અર્થ એવો થાય છે કે આ ઇજાઓ તેના મૃત્યુ પહેલાં થઈ હતી.

રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું છે કે આ ઇજાઓ blunt force એટલે કે કોઈ ભારે કે કઠોર વસ્તુના પ્રહારથી થઈ હોઈ શકે છે. જોકે રિપોર્ટમાં આ ઇજાઓને “simple in nature” કહેવામાં આવી છે, છતાં પરિવારનો સવાલ એ છે કે જો આ માત્ર આત્મહત્યા હતી તો શરીર પર અનેક ઇજાઓ કેવી રીતે આવી? ત્વિશાના પરિવારજનોનું કહેવું છે કે માત્ર ફાંસીના કારણે શરીર પર આ પ્રકારની ઇજાઓ આવવી સામાન્ય વાત નથી. તેઓનો આરોપ છે કે ત્વિશાને પહેલા માર મારવામાં આવ્યો હોઈ શકે છે અને ત્યારબાદ ઘટનાને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું હોઈ શકે છે. હવે પરિવાર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ત્વિષાના બ્લડ સેમ્પલ, વિસેરા અને અન્ય જૈવિક નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારના ઝેર કે નશીલા પદાર્થની સંભાવના નકારી શકાય. આ ઉપરાંત DNA તપાસ માટે નખના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે કપડાં અને અન્ય પુરાવાઓ પણ સીલ કરીને પોલીસને સોંપ્યા છે. રિપોર્ટમાં એ પણ લખાયું છે કે ફાંસી માટે વપરાયેલ લિગેચર મટિરિયલ (દોરી કે અન્ય વસ્તુ) પોસ્ટમોર્ટમ સમયે તપાસ માટે ઉપલબ્ધ નહોતું. એટલે કે જે વસ્તુથી ફાંસી લાગી હોવાનું કહેવાય છે, તે ફોરેન્સિક ટીમને તપાસ માટે આપવામાં આવી નહોતી. આ મુદ્દો પણ હવે તપાસમાં મહત્વનો બની શકે છે.

રિપોર્ટમાં એક અન્ય ચોંકાવનારી વિગત એ પણ છે કે ત્વિશાએ એક અઠવાડિયા પહેલાં MTP (Medical Termination of Pregnancy) કરાવ્યાનો ઇતિહાસ હોવાનું નોંધાયું છે. આ કારણે ગર્ભાશયને હિસ્ટોપેથોલોજિકલ તપાસ માટે સચવવામાં આવ્યો છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી શકે છે કે શું આ વ્યક્તિગત કારણો અને ઘટનાનો કોઈ સંબંધ હતો કે નહીં. ફોરેન્સિક વિભાગે આખી પોસ્ટમોર્ટમ પ્રક્રિયાનો વિડિયો રેકોર્ડ પણ તૈયાર કર્યો છે, જે તપાસ માટે મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે. રિપોર્ટ મુજબ, ત્વિશાના મૃત્યુનો સમય પ્રાથમિક તપાસ પ્રમાણે 13 મેની વહેલી સવારે અંદાજે 1:59 વાગ્યાથી 6 કલાકની અંદરનો ગણવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ રાખી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યા બાદ કેસમાં નવા સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. હવે FSL રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ખરેખર આત્મહત્યા હતી કે પછી કોઈ મોટી સાજિશ પાછળ છુપાયેલી છે.

Most Popular

To Top