ગાંધીનગર : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતેથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉપયોગ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી હતી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં ગુજરાતના જન-જનને આ કવાયતમાં જોડાવા ભાવભરી અપીલ કરી છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ મોડથી વેબ પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે, જે નાગરિકો માટે અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ છે. સશક્ત અને સમાવિષ્ટ વિકસિત ભારતના નિર્માણ માટે સચોટ અને સમયસરની માહિતી અનિવાર્ય છે. નાગરિકોની સક્રિય ભાગીદારી જ આ મહાઅભિયાનને સફળ બનાવશે.
વસ્તી ગણતરી-૨૦૨૭માં પ્રથમ વખત નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી જાતે ઓનલાઇન સબમિટ કરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ ગણતરી ૩૧ મે, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબ પોર્ટલ https://se.census.gov.in/ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો આપેલા માર્ગદર્શન મુજબ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે.
આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી ૧ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ૧ લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.