અમદાવાદ: અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારમાં આવેલા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરી આચરનાર સેલ્સગર્લ અને તેના પ્રેમીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં લકઝરીયર્સ લાઈફસ્ટાઈલ જીવવાની ઘેલછામાં આ સેલ્સગર્લએ તેના પ્રેમી સાથે મળીને ષડયંત્ર રચી અંદાજે રૂ. 1.11 કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ બંને છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. શોરૂમના સ્ટેક વેરિફિકેશનમાં કુલ 1,211.991 ગ્રામ (આશરે 1 કિલો અને 212 ગ્રામ) સોનું ઓછું હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં સોનાની ચેઈન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ અને સોનાની ઘડિયાળ સહિતના કિંમતી દાગીના ઓછા હોવાનું (ચોરાયેલા) હતા, જેની અંદાજે કિંમત રૂ.1.11 કરોડથી વધુ થવા જાય છે. સ્ટોક ઓછો હોવાની જાણ થતાં જ માલિકને ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે તે અચાનક જ નોકરી પરથી જતી રહી હતી.
આ કેસમાં પોલીસ ટીમે જ્યારે શોરૂમના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા ત્યારે હર્ષિદાની કરતૂત કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. વિડીયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને ચાલાકીપૂર્વક પોતાના કપડાંના ખીસ્સામાં સંતાડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ હતી. ત્યાર પછી તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી. પોલીસે બંને આરોપીઓની ઘરપકડ કરી દાગીના રિકવર કરવા તેમજ આ કેસમાં અન્ય વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. બેન્ક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અને કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)ની ચકાસણી શરૂ કરી છે.
ચોરી કરી કપલ મોજમજા માટે દિલ્હી-ઋિષકેશ ઉપડી ગયું
ક્રાઈમ બ્રાંચ દ્વારા હર્ષિદા શેટ્ટીને અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર ષડયંત્રમાં સેલ્સગર્લ હર્ષિદાના પ્રેમીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તે અમદાવાદમાં પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે. બંનેએ નક્કી કરેલા પ્લાન મુજબ એક-એક કરીને દાગીના ગાયબ કર્યા હતા અને કોઈને શંકા ન જાય તે માટે ચોરીનો માલ અલગ-અલગ સ્થળોએ છૂપાવી રાખ્યો હતો. દાગીનાની ચોરી કર્યા બાદ આ કપલ દિલ્હી અને ઋષિકેશ ખાતે મોજમજા માણીને આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.