Gujarat

સુરતમાં સોશિયલ મીડિયા પર ભય ફેલાવતી રીલ અને પોસ્ટ સામે પોલીસનો કડક પ્રહાર

ગુનેગારો, સ્ટંટબાજો અને ભડકાઉ કન્ટેન્ટ બનાવનારાઓ હવે રડારમાં; Cyber Crime અને SOGને ખાસ સૂચના

સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર વધતી ભડકાઉ, ધમકીજનક અને ગુનાહિત છાપ ઉભી કરતી રીલ-પોસ્ટ સામે હવે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. Instagram, Facebook, YouTube અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડર, આતંક, સામાજિક-ધાર્મિક તણાવ ઊભો કરે તેવી પોસ્ટ , વિડિયો મુકનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર Anupamsinh Gehlotએ શહેરના Cyber Crime Cell અને Special Operations Group (SOG)ને સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. પોલીસ હવે ખાસ ટીમો બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય મોનિટરિંગ શરૂ કરી રહી છે.

ગુનેગારો સોશિયલ મીડિયા પર જમાવતા હતા ધાક
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સોશિયલ મીડિયા મારફતે પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકો હથિયારો સાથે ફોટોશૂટ, જાહેરમાં તલવાર કે દેશી હથિયારો લહેરાવતા વિડિયો,કાર, બાઈક પર જોખમી સ્ટંટ, ટ્રાફિક નિયમોનો ભંગ તથા ગેંગસ્ટર સ્ટાઇલમાં બનાવેલી રીલ પોસ્ટ કરી રહ્યા હતા. ઉપરાંત જન્મદિવસની ઉજવણી દરમિયાન રોડ પર ફટાકડા ફોડવા, ગાડીઓનો કાફલો કાઢવો, જાહેર માર્ગો પર બેદરકારીથી વાહન હંકારી વિડિયો બનાવવાના બનાવોમાં વધારો થયો હતો. આવી પોસ્ટ વાયરલ થતાં યુવાનોમાં ખોટો સંદેશ જઈ રહ્યો હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું.

ધાર્મિક અને સામાજિક તણાવ ઊભો કરવાના પ્રયાસો
પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એવી પોસ્ટ અને રીલ પણ મુકવામાં આવી રહી હતી, જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે અથવા સમાજમાં વિવાદ અને ડરનો માહોલ સર્જાય. પોલીસને આશંકા છે કે આવા કન્ટેન્ટ પાછળ કેટલાક અસામાજિક તત્વો અને ગુનાહિત ગેંગ પણ સક્રિય હોઈ શકે છે. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હવે આવા કન્ટેન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Cyber Crime અને SOG કરશે સંયુક્ત ઓપરેશન
પોલીસ કમિશનરના આદેશ બાદ હવે Cyber Crime Cell અને SOG સંયુક્ત રીતે સોશિયલ મીડિયા પર નજર રાખશે. Instagram Reels, Facebook Post, WhatsApp Status, YouTube Shorts સહિતના તમામ ડિજિટલ પ્લેટફોર્મ સ્કેન કરવામાં આવશે. જે લોકો ભયજનક, ગેરકાયદેસર અથવા ભડકાઉ કન્ટેન્ટ પોસ્ટ કરશે તેમની ઓળખ કરી સીધી કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો IT Act, IPC તથા અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

“ખોટી પબ્લિસિટી માટે કાયદાનો ભંગ સહન નહીં” : રાજદીપસિંહ નકુમ
આ મામલે DCP Rajdeepsinh Nakumએ જણાવ્યું હતું કે, “આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા માટે કેટલાક લોકો કાયદો અને વ્યવસ્થાની મર્યાદા ભૂલી જાય છે. હથિયારો, સ્ટંટ અને ધમકી ભર્યા વિડિયો પોસ્ટ કરીને ખોટી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા કન્ટેન્ટના કારણે સામાન્ય નાગરિકોમાં ડરનો માહોલ સર્જાય છે. હવે આવા તત્વો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.”

યુવાનોને પણ આપી ચેતવણી
પોલીસે ખાસ કરીને યુવાનોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર લાઇક, વ્યૂ અને ફોલોઅર્સ માટે જોખમી સ્ટંટ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના વિડિયો બનાવવાથી બચવું જોઈએ. ઘણા યુવાનો ટ્રેન્ડિંગ રીલ બનાવવા માટે પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને “ગ્લેમરાઈઝ” કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આગામી દિવસોમાં વધુ કડક અભિયાન
સુરત પોલીસ આગામી દિવસોમાં શહેરવ્યાપી ખાસ ડ્રાઈવ ચલાવવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા માટે ટેકનિકલ ટીમોને વધુ સક્રિય બનાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને બખ્શવામાં નહીં આવે. શહેર પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ ભડકાઉ, ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પોસ્ટ નજરે પડે તો તરત જ પોલીસ અથવા Cyber Crime Cellને જાણ કરવી.

Most Popular

To Top