અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રિય નીતિ આયોગના “સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટ” અહેવાલમાં ગુજરાતના કહેવાતા શિક્ષણ મોડલની પોલ ખોલી નાખી છે.કોંગ્રેસના આક્ષેપ મુજબ, રાજ્યમાં ૧,૦૫,૧૩૪ વિદ્યાર્થીઓ ધરાવતી કુલ ૨૯૩૬ શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. બીજી તરફ, રાજ્યની ૬૩ શાળાઓમાં એકપણ વિદ્યાર્થી ન હોવા છતાં ત્યાં ૭૮ શિક્ષકો ફરજ બજાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કોંગ્રેસે આ પરિસ્થિતિને શિક્ષણ વ્યવસ્થાના કથળતા આયોજનનું ઉદાહરણ ગણાવ્યું છે.
પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં સરેરાશ ૨૪ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૨૦ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૭ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે, જ્યારે દેશમાં આ સરેરાશ ૧૫ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની હોવાનું જણાવાયું છે. કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં શિક્ષકની અછતને કારણે શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ ૧૬.૯ ટકા સુધી પહોંચી ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આઉટ-ઓફ-સ્કૂલ બાળકોની સંખ્યામાં ૩૪૧ ટકાનો વધારો નોંધાયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. આંકડા મુજબ, અગાઉના ૫૪ હજારથી વધીને હવે આશરે ૨.૪ લાખ વિદ્યાર્થીઓ શાળા બહાર છે, જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓનો સમાવેશ થાય છે.કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં ૪૨ હજાર વર્ગખંડોની અછત છે અને અનેક શાળાઓ જર્જરિત ઈમારતોમાં ચાલી રહી છે. સરકાર દ્વારા શિક્ષણ પાછળ હજારો કરોડ રૂપિયાની જોગવાઈ હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું.
કોંગ્રેસના મતે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું સતત નબળું કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ૫૬૧૨ શાળાઓ બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવતાં પક્ષે કહ્યું કે તેનો સીધો ફટકો ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પડી રહ્યો છે.ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ભ્રષ્ટ અને દિશાવિહીન નીતિઓના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે અને હવે શિક્ષણ ક્ષેત્રે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે.