જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, ત્રણ શખ્સો વિદેશી કરન્સી લઈને ફરાર
સુરત શહેરમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને વેપારી સાથે લાખોની ઠગાઈ થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં રહેતા વેપારીને અમેરિકન ડોલર આપવાના બહાને અજાણ્યા શખ્સોએ રોકડ રૂપિયા તેમજ વિવિધ દેશોની કરન્સી લઈને મળવા બોલાવ્યો હતો ,બાદ માં તમામ ને લઇ ઠગો ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, રાંદેર ટાઉન વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન મોહમ્મદ હસિયા નામના વેપારીએ ફોરેન કરન્સી એક્સચેન્જ માટે કેટલાક શખ્સો સાથે સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ વેપારીને અમેરિકન ડોલર આપવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ શહેરના નવા રેસિડન્સી વિસ્તારમાં આવેલા ગેટ પાસે મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. પૂર્વ આયોજન મુજબ વેપારી ત્યાં પહોંચતા ત્રણ અજાણ્યા ઈસમો લાલ રંગની આઈ-20 કારમાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, આરોપીઓએ વેપારીને અલગ-અલગ દેશોની કરન્સી બતાવી હતી અને સસ્તા દરે અમેરિકન ડોલર આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આરોપીઓએ વેપારી પાસેથી રોકડ રકમ અને વિદેશી ચલણ મેળવી લીધું હતું. વેપારી પાસેથી રૂ. 13 લાખ રોકડા ઉપરાંત 3,200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પેસો અને 1,100 રિંગિટ સહિત કુલ રૂ. 18.65 લાખથી વધુની કિંમતની રકમ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ઘટના દરમિયાન આરોપીઓએ કરન્સી ચકાસવાની અને એક્સચેન્જ પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરી વેપારીને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. જોકે, તક મળતા જ ત્રણેય શખ્સો કારમાં બેસી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોતાને સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વેપારીએ તરત જ જહાંગીરપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારોના કેમેરા ચકાસવાની કામગીરી તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગ અગાઉ પણ આવી જ રીતથી લોકોને નિશાન બનાવી ચૂકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે ફોરેન કરન્સી અથવા મોટી રકમના સોદા કરતી વખતે સાવચેત રહેવા અને કાયદેસરની પ્રક્રિયા દ્વારા જ વ્યવહાર કરવા અપીલ કરી છે.