દેશભરમાં ચર્ચામાં રહેલા NEET-UG 2026 પેપર લીક કાંડ બાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન એટલે કે Computer Based Modeમાં યોજાશે. આ સાથે વર્ષોથી ચાલતી OMR શીટ સિસ્ટમને બંધ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીના આ નિવેદનને NEET પરીક્ષા વ્યવસ્થામાં ઐતિહાસિક બદલાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ અપનાવવાથી પેપર લીક અને અન્ય ગેરરીતિઓ પર મોટાપાયે રોક લગાવી શકાશે.
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પેપર લીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે દોષિતોને “પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે.” તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની સીધી લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે સમગ્ર મામલો હવે CBIને સોંપવામાં આવ્યો છે અને તપાસ એજન્સી આ કૌભાંડના મૂળ સુધી પહોંચશે. NEET 2026ની પરીક્ષા રદ થયા બાદ હવે નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. NTA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ હવે પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. પરીક્ષાના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં બહાર પાડવામાં આવશે.
આ વખતે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઉકેલવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે પેપર લીકને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક અને શૈક્ષણિક બોજ વધ્યો છે, તેથી તેમને વધુ અનુકૂળતા આપવા આ નિર્ણય લેવાયો છે. સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. સાથે જ પરીક્ષા રદ થવાને કારણે વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય સરળ નહોતો. તેમણે કહ્યું કે લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ન્યાયને ધ્યાનમાં રાખીને સરકારે ભારે હૈયે આ નિર્ણય લીધો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે 12 મે પહેલા જ ગેસ પેપરના નામે અસલી પ્રશ્નપત્રના કેટલાક સવાલો બહાર ફરતા થયા હતા. આ બાબત ગંભીર માનતા સરકારે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે હવે NTAમાં ‘Zero Error System’ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા દ્વારા મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાનું સપનું જુએ છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત સામે આવતા પેપર લીક અને ગેરરીતિના કેસોને કારણે પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા હતા. હવે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણયો બાદ વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની આશા છે.