હવે 21 જૂને થશે પરીક્ષા, ટૂંક સમયમાં નવા એડમિટ કાર્ડ બહાર પડશે
દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2026 પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે NEET UGની ફરી પરીક્ષા 21 જૂન 2026ના રોજ લેવામાં આવશે. અગાઉ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા પેપર લીકના આક્ષેપો બાદ રદ કરવામાં આવી હતી, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અનિશ્ચિતતામાં મુકાયા હતા. હવે સરકારે અને NTAએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી તારીખ જાહેર કરી છે.
અહેવાલો અનુસાર NEET UG 2026ની પરીક્ષા દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાય તેવી શક્યતા છે. NTAએ જણાવ્યું છે કે પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. અગાઉ જે ઉમેદવારોએ અરજી કરી હતી તેઓ જ નવી પરીક્ષામાં સામેલ થઈ શકશે. જોકે જૂના એડમિટ કાર્ડ હવે માન્ય રહેશે નહીં. NTA ટૂંક સમયમાં નવી એગ્ઝામ સિટી સ્લિપ અને નવા એડમિટ કાર્ડ જાહેર કરશે. વિદ્યાર્થીઓએ પોતાના જૂના લોગિન ક્રેડેન્શિયલ્સ સાચવી રાખવા સૂચના આપવામાં આવી છે, કારણ કે નવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે એ જ જરૂરી રહેશે.
NTAએ સ્પષ્ટ કર્યું છે કે નવા એડમિટ કાર્ડમાં નવી પરીક્ષા તારીખ, સમય અને સેન્ટરની વિગતો આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ માત્ર અધિકૃત વેબસાઈટ neet.nta.nic.in પરથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. કોઈપણ ફેક લિંક અથવા સોશિયલ મીડિયા પર ફરતા ખોટા મેસેજથી સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે 3 મેના રોજ યોજાયેલી NEET UG 2026 પરીક્ષા અંગે પેપર લીકના ગંભીર આક્ષેપો થયા હતા. વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાની પારદર્શિતા અંગે સવાલો ઊભા કર્યા હતા. તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ બાદ ભારત સરકારે પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સમગ્ર કેસની તપાસ માટે કેન્દ્રિય એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
દેશભરમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા બાદ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આખું વર્ષ મહેનત કર્યા બાદ ફરી પરીક્ષા આપવી તેમના માટે માનસિક દબાણ સમાન છે. જોકે હવે નવી તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં થોડો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.NTAએ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી ચાલુ રાખવાની સલાહ આપી છે. આ વખતે પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાને લઈને કડક વ્યવસ્થા રહેશે. બાયોમેટ્રિક ચેકિંગ, AI આધારિત મોનીટરીંગ, વધારાના સીસીટીવી કેમેરા અને ફ્લાઈંગ સ્ક્વોડ જેવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા દિવસે ઉમેદવારોએ સમય પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. એડમિટ કાર્ડ સાથે ફોટો આઈડી પ્રૂફ અને પાસપોર્ટ સાઈઝ ફોટો લઈ જવો ફરજિયાત રહેશે. ડ્રેસ કોડના નિયમોનું પણ પાલન કરવું પડશે.હાલ દેશભરના વિદ્યાર્થીઓની નજર હવે નવા એડમિટ કાર્ડ અને એગ્ઝામ સિટી સ્લિપ પર ટકી છે. NTA આગામી થોડા દિવસોમાં સત્તાવાર વેબસાઈટ પર તમામ અપડેટ જાહેર કરે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.