Gujarat

દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 45.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 41 થી 45 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. 13 થી 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગરમ અને ભેજવાળા પવનોને કારણે ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં અકળામણ વધી શકે છે, તેથી સ્થાનિક લોકોએ સીધા સૂર્યપ્રકાશથી બચવા અને વધુ પ્રમાણમાં પાણી પીવા સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ, ગરમીના આ પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે.ચાલુ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિ અનુકૂળ બનતી હોવાની માહિતી આપી છે.કંડલા એરપોર્ટમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને વડોદરામાં 44 ડિગ્રી સુધી પારો પહોંચતા દિવસ દરમિયાન રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. રાજયમાં અચાનક ગરમીનો પારો 44 -45 ડિ.સે. સુધી પહોચી જતાં જનજીવનને અસર થવા પામી છે. ખાસ કરીને મહાનગરોમાં બપોરના 1થી સાંજના 6 વાગ્યા સુધી કામ વિના સૌ કોઈ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મહાનગરોના રસ્તા બપોરે સૂમસામ જોવા મળી રહ્યા છે. જયારે મૂંગા પક્ષીઓને પણ ગરમીની અસર જોવા મળી રહી છે, જો કે જીવદયાપ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મૂકવામા આવી રહ્યાં છે.

ત્રણ દિવસ સુધી હીટવેવ, બાદમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટ અને ડીસામાં 43 ડિગ્રી, ભાવનગર, ભુજ અને સુરતમાં 42 ડિગ્રી, કેશોદમાં 41 ડિગ્રી, મહુવામાં 38 ડિગ્રી, દમણમાં 38 ડિગ્રી, કંડલા પોર્ટમાં 39 ડિગ્રી તેમજ પોરબંદરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, કેશોદ, કંડલા એરપોર્ટ અને દીવ વિસ્તારમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી હતી. અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. જોકે, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

  • ગુજરાત તથા પાડોશી રાજયોને આવરી લેતી એન્ટીસાયકલોનિક સિસ્ટમ ઘુમરી ખાઈ રહી હોવાથી ગરમી વધી

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગુજરાત પર એક વિશાળ ‘એન્ટી-સાયક્લોન’ ની સિસ્ટમ આકાર પામી છે. જે રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમને કારણે આગામી થોડા દિવસોમાં પશ્ચિમ ભારતમાં ઉનાળાની ગરમી વધુ તીવ્ર બનશે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્ર ઉપર વિશાળ એન્ટીસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પશ્ચિમ ભારતમાં ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર બન્યું છે. સાથે જ પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે.જોકે, આગામી ૩ દિવસ સુધી હીટ વેવ રહેશે તે પછી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના છે.

Most Popular

To Top