માથામાં લાકડાના ફટકા મારી સોના-રોકડ ભરેલી બેગ લૂંટી બાઈક સવાર લૂંટારૂ ફરાર
લાઇબ્રેરી પાસે દુકાન બંધ કરી ઘરે જતા વેપારીને નિશાન બનાવાયો
300 ગ્રામ સોનાના દાગીના અને ₹5 લાખથી વધુ રોકડની લૂંટ, CCTV આધારે પોલીસ તપાસ તેજ
( પ્રતિનિધિ ) વાઘોડિયા
વાઘોડિયામાં સમી સાંજે સોની વેપારી પર જીવલેણ હુમલો કરી સોનાના દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થયેલા અજાણ્યા બાઈક સવાર લૂંટારૂઓના બનાવથી સમગ્ર નગરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના વાઘોડિયા લાઇબ્રેરી પાસે આવેલી ડીસી જ્વેલર્સ દુકાનના વેપારી સાથે બની હતી.

મળતી માહિતી મુજબ, ડીસી જ્વેલર્સમાં ધીરધાર તેમજ સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા જીગ્નેશભાઈ દિનેશચંદ્ર પોલાને સાંજે આશરે 8 વાગ્યે દુકાન બંધ કરી દિવસભરની રોકડ અને દાગીના ભરેલી બેગ લઈને પોતાની એક્ટિવા પર ઘરે જવા નીકળ્યા હતા. તેઓ નારાયણનગર સોસાયટી સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી રહ્યા હતા ત્યારે સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ચાર જેટલા અજાણ્યા ઈસમો બે બાઈક પર આવી પહોંચ્યા હતા.

લૂંટારૂઓએ જીગ્નેશભાઈને પાછળથી માથાના ભાગે લાકડાના દંડાના ફટકા માર્યા હતા. હુમલાના કારણે તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ તેમની પાસેથી અંદાજે 300 ગ્રામ સોનાના દાગીના તથા ₹5 લાખથી વધુ રોકડ ભરેલી બેગ લૂંટી પળવારમાં ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલા વેપારીને સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની જાણ થતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે.
બજાર વિસ્તારમાં બનેલી આ લૂંટ અને હુમલાની ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
રિપોર્ટર : બજરંગ શર્મા