National

સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિ ફરી વિવાદમાં, ભાજપે કહ્યું- હેટ સ્પીચ

તામિલનાડુના ઉપમુખ્યમંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન ફરી એકવાર પોતાના નિવેદનને કારણે રાજકીય વિવાદમાં આવી ગયા છે. તમિલનાડુ વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણી બાદ રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે. ઉદયનિધિએ કહ્યું હતું કે, સનાતન ધર્મે લોકોને વિભાજિત કર્યા છે અને તેનો નાશ થવો જોઈએ. તેમના આ નિવેદન બાદ વિધાનસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે ઉદયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને લઈને વિવાદમાં આવ્યા હોય. અગાઉ પણ તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી અને કહ્યું હતું કે તેને જડમૂળથી ખતમ કરવું જોઈએ. તેમના આ નિવેદન સામે દેશભરમાં ભારે વિરોધ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે ફરી એકવાર તેમના નવા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે.

ઉદયનિધિના નિવેદન પર ભાજપે ખૂબ જ આક્રમક પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા સીઆર કેશવને આ નિવેદનને ઝેરી અને વિભાજનકારી રાજનીતિ ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે DMK સતત હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. કેશવે ઉદયનિધિ સ્ટાલિનની સરખામણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરતાં કહ્યું કે બંને નેતાઓ દેશને ધાર્મિક રીતે વહેંચવાની રાજનીતિ કરી રહ્યા છે. ભાજપે વધુમાં આરોપ મૂક્યો કે DMK સરકાર અને તેના નેતાઓ હિન્દુ પરંપરાઓ અને ધાર્મિક પ્રતિકોનું સન્માન કરતા નથી. સીઆર કેશવે કહ્યું કે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ક્યારેય દિવાળીની શુભેચ્છા પાઠવતા નથી અને તેમની પાર્ટીએ ‘કાર્તિગઈ દીપમ’ જેવા પરંપરાગત તહેવારોનો પણ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તામિલનાડુની ઓળખ તેના મંદિરો અને ગોપુરમ સાથે જોડાયેલી છે અને લોકો પોતાની આસ્થાનું અપમાન લાંબા સમય સુધી સહન નહીં કરે.

રાજકીય નિવેદનો વચ્ચે DMKની વિચારધારા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે DMK દ્રવિડ વિચારધારાના નામે હિન્દુ ધર્મ અને પરંપરાઓ સામે સતત આક્રમક વલણ અપનાવે છે. બીજી તરફ DMK અને તેના સમર્થકોનું કહેવું છે કે તેઓ સામાજિક સમાનતા અને જાતિવાદ વિરુદ્ધ લડતની વાત કરે છે, અને તેમના નિવેદનોનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. ઉદયનિધિ સ્ટાલિનના આવા નિવેદનો અંગે કોર્ટ પણ અગાઉ ગંભીર ટિપ્પણીઓ કરી ચૂકી છે. આ વર્ષે જાન્યુઆરીમાં મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે કહ્યું હતું કે ‘સનાતન ઓઝિપ્પુ’ એટલે કે ‘સનાતનનો નાશ’ જેવા શબ્દો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને આવા નિવેદનો હેટ સ્પીચની શ્રેણીમાં આવી શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જાહેર જીવનમાં રહેલા નેતાઓએ પોતાના શબ્દોની જવાબદારી સમજવી જોઈએ.

આ સમગ્ર મામલો હવે ધાર્મિક ભાવનાઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેની ચર્ચાનો વિષય બની ગયો છે. એક તરફ ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનો ઉદયનિધિના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ DMKના સમર્થકો તેને સામાજિક ન્યાયની લડત તરીકે રજૂ કરી રહ્યા છે. તામિલનાડુમાં આગામી સમયમાં ચૂંટણી રાજકારણ વધુ ગરમાવાની શક્યતા છે અને આવા મુદ્દાઓ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનથી ફરી એકવાર રાજ્યની રાજનીતિમાં ધર્મ અને વિચારધારાની લડાઈ તેજ બની ગઈ છે.

Most Popular

To Top