Education

NEET UG 2026 પરીક્ષા રદ, પેપર લીક મામલે CBI તપાસનો આદેશ

3 મેના રોજ લેવાયેલી પરીક્ષા ફરી લેવામાં આવશે, 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર અસર
( પ્રતિનિધિ ) વડોદરા, તા.12
દેશભરની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ને કેન્દ્ર સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. પેપર લીક અને ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે.
NEET UG 2026ની પરીક્ષા 3 મે, 2026ના રોજ દેશભરના હજારો કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા બાદ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના ફોટા અને લીક સંબંધિત દાવાઓ વાયરલ થતા વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ વિવિધ રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિવાદ વધતા શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. NTAએ જણાવ્યું છે કે “પ્રમાણિક વિદ્યાર્થીઓની મહેનતનું મૂલ્ય જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
હાલ નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. NTA દ્વારા ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ માહિતી મેળવવા સૂચના આપવામાં આવી છે.
CBI હવે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કોચિંગ સંચાલકો, દલાલો અને અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકાની તપાસ કરશે. સરકાર દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ નિર્ણય બાદ ચિંતા અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે ફરી પરીક્ષા લેવાતા લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક આયોજન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top