Gujarat

સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત

13થી 15 મે સુધી ઉધના–જલગાંવ રૂટ પર મેગા બ્લોક

સુરત સહિત દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા ઉધના–જલગાંવ રેલવે લાઇન પર ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે 13 મે થી 15 મે સુધી મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે સુરત, ઉધના, નિયોલ અને ચાલથાણ સ્ટેશનો પરથી પસાર થતી અનેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનો ટૂંકી અંતર સુધી જ દોડશે, જ્યારે કેટલીક ટ્રેનો મોડેથી દોડવાની શક્યતા છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર આ ત્રણ દિવસ દરમિયાન ઉધના, નિયોલ અને ચલથાણ રેલવે સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરાશે. આ આધુનિકીકરણથી ભવિષ્યમાં ટ્રેન સંચાલન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે તેમજ રૂટ પર ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ સુધારો થશે.

13 મેના રોજ આ ટ્રેનો રહેશે પ્રભાવિત
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ 13 મેના રોજ અનેક મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટ અને ટર્મિનેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 12935 બાંદ્રા–સુરત એક્સપ્રેસ હવે માત્ર નવસારી સુધી જ દોડશે. નવસારીથી ઉધના વચ્ચેની સેવા રદ રહેશે.
ટ્રેન નંબર 09055 બાંદ્રા–ઉધના સ્પેશિયલ હવે ઉધના બદલે બિલીમોરા સુધી જ જશે.
ટ્રેન નંબર 19046 તાપ્તી ગંગા એક્સપ્રેસને ચાલથાણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
તે ઉપરાંત રિટર્ન ટ્રેનોના પ્રારંભિક સ્ટેશનોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 12936 હવે નવસારીથી પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર 09056 બિલીમોરાથી શરૂ થશે.
ટ્રેન નંબર 19007 હવે ચાલથાણ સ્ટેશન પરથી દોડશે.

સ્ટેશન મુજબ મેગા બ્લોકનું શેડ્યૂલ
રેલવે વિભાગે કામગીરીને તબક્કાવાર રીતે પૂર્ણ કરવા માટે અલગ-અલગ સ્ટેશનો પર બ્લોકનું આયોજન કર્યું છે.
13 મે: ઉધના રેલવે સ્ટેશન પર કામગીરી
14 મે: નિયોલ રેલવે સ્ટેશન પર બ્લોક
15 મે: ચાલથાણ સ્ટેશન પર આધુનિકીકરણનું કામ

લાંબા અંતરની ટ્રેનો પણ થશે મોડેલી
મેગા બ્લોકના કારણે લાંબા અંતરની અનેક ટ્રેનોના સમય પર પણ અસર પડશે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ચેન્નઈ–અમદાવાદ અને કાકીનાડા–હિસાર જેવી ટ્રેનો 30 થી 40 મિનિટ સુધી મોડે દોડે તેવી શક્યતા છે. જ્યારે અન્ય અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો 10 થી 15 મિનિટ સુધી વિલંબિત થઈ શકે છે. તે ઉપરાંત બાંદ્રા–દિલ્હી સરાય રોહિલ્લા અને દાદર–પોરબંદર ટ્રેનો લગભગ અઢી કલાક સુધી મોડે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માલગાડીઓના સંચાલન પર પણ અસર
મેગા બ્લોક દરમિયાન ફ્રેઇટ ટ્રેનોના સંચાલન પર પણ અસર પડશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે કેટલીક માલગાડીઓને 4 થી 8 કલાક સુધી રોકવી પડી શકે છે. કેટલીક ટ્રેનોને મુસાફર ટ્રાફિકમાં ઓછો વિઘ્ન પડે તે માટે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) મારફતે ડાયવર્ટ કરવામાં આવશે.રેલવે વિભાગે મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનનું સમયપત્રક અને લાઈવ રનિંગ સ્ટેટસ ચકાસવાની અપીલ કરી છે જેથી અનાવશ્યક મુશ્કેલીથી બચી શકાય.

Most Popular

To Top