માણસને જ માત્ર Girl friend હોય એવું નહિ, જીવ માત્રને હોય! જ્યાં જ્યાં વસે પ્રેમનો પ્રવાહ, ત્યાં ત્યાં સદાકાળ વાહ આહ!. કેરી અને ઉનાળાને પણ છે જ ને? અમુક ફળો એની મોસમમાં જ આવે એમ, કેરી ઉનાળામાં જ આવે એ પણ, એક પ્રકારનું બે વચ્ચેનું, ‘ઇલુ-ઇલુ’ જ કહેવાય! લ્યો, એમાં ખીખીખીખી શું કરવા બેઠા? તમે જ જુઓ ને? સાલી કેરી વગર ઉનાળો નહિ આવે ને, ઉનાળા વગર કેરી નહિ આવે, એને ‘ઇલુ-ઇલુ’નહિ તો શું પીલુ-પીલુ કહેવાય કે? પ્રેમ પણ પાછો કેવો? કેરીના ગોટલા કાઢવા નિશાળમાં લાંબુ વેકેશન પણ અપાય બોલ્લો! સારું છે કે, કેરીગાળામાં ‘ગોટલા પૂજન’ જેવા તહેવાર આવતા નથી! નહિ તો એવું પણ લાવ્યા હોત કે, ‘આ ગોટલાદેવનું પૂજન કરવાથી તમારે ત્યાં કેસર જેવી દીકરી ને વલસાડી હાફુસ જેવો દીકરો આવશે!’આ તો એક ગમ્મત!
કોઇ પણ ખેલ લાંબો ચાલતો નથી. ભલું થાજો હવામાન આગાહીનરેશ અંબાલાલકાકાનું, કે કેરીગાળામાં ક્યાંક ક્યાંક વરસાદ ને ટાઢનો પણ માહોલ મોકલે છે. આજકાલ પ્રેમ આંધળો નહિ, રતાંધળો પણ ખરો. તેવાને લીમડાના ઝાડમાં પણ કેરી દેખાય. કેરીના એવા લપ્પુક કે, કેરીગાળો આવે એટલે, સાળીના લગન આવ્યા હોય એમ, ભીના ભીના થઇ જાય. લોખંડના પાયે બેઠેલી સાડાસાતી, વલસાડી હાફુસમાં બેસવાની હોય એવી લાલી આવી જાય. ઉનાળો ફાટ ફાટ થતો હોય, ધગધગતી લૂ ફેંકાતી હોય, સુરજ જાણે ખોળામાં લઈને બેઠા હોય, છતાં, કેરી દીઠી નથી ને ઝાપટી નથી.
તેલ લેવા જાય ડાયાબીટીસ! કેરીને ડાયાબીટીસ થતો નથી તો, આપણને શું વળગવાનો એવી ખુમારી આવી જાય! કેરી ખાવાની એવી ચુર ઊપડે કે જીભ લપકારા લેવા માંડે, સ્વાદની ઇન્દ્રિયો નૃત્યાંગનાની માફક મચકાવા માંડે! હાથમાં રસીલી કેરી આવી તો ઉનાળો પણ બરફની ફેક્ટરી જેવો લાગે! સાલું ગજબનું છે હંઅઅઅ? ભગવાન દુ:ખ પણ આપે ને સહન કરવા સાથે મારણ પણ આપે. કાંઠે આવી ગયેલો પણ, કેરીગાળો નહિ ચૂકે! જીવ લેવા આવેલો યમરાજ, પણ તેવાનો જીવ લેવાનું ભૂલી જાય! અને કેરીગાળા સુધી રોકાઈ જાય તે અલગ! કેરીનો એવો મહિમા છે દાદૂ!
ઉનાળા અને કેરીની પ્રેમલીલા અમારા જમાનામાં પણ હતી. ચચરાવી નાંખે એવો ઉનાળો સહન કરતાં પણ કેરી નહિ છોડતા. બાપાને તો કહેવાતું જ નહિ કે, ‘બાપા ગરમી બહુ લાગે!’કહેવા ગયા તો વાળંદને ત્યાં ઘસડી જઈ, માથે ટકલુ કરાવી દેતા. પછી કહેતા કે, ‘જાવ દીકરાઓ હવે જલસા કરો! ચારેય કોરથી ટાઢા પવન ફૂંકાશે! તેમ પણ ગરમી નહિ ગાંઠે તો, કોઇ પણ સરકારી કચેરીમાં લઈ જતા અને ત્યાંના AC ની ટાઢી હવા ખવડાવી લાવતા! ડોહાઓ કોઠાસૂઝવાળા હતા યાર! છેલ્લે પૂંઠાવાળા એકાદ-બે પંખા લઇ આપતા અને ઓપરેટીંગ સીસ્ટમ સમજાવતા કે, ‘આ પૂંઠા સામે માત્ર માથું જ હલાવવાનું, પંખો નહિ! પંખો પૂંઠાનો છે, એટલે પૂંઠું તૂટી જાય, માથું તૂટે નહિ !’એના કપાળમાં કાંદા ફોડું! કલ્પના તો કરો કે, હાથના બંને કાંડામાં ઉનાળાએ ખુજલીના માળા બાંધ્યા હોય, એક હાથમાં પૂંઠાનો પંખો હો, બીજા હાથમાં રસીલી કેરી હોય તો, બાળક ખુજલી ખંજવાળવા જાય, કે પંખો હલાવવા? કે પછી કેરી ચૂસવા જાય! પણ અમે એવા કે, ખૂજલી ખંજવાળતા-ખંજવાળતા પણ ૧૦ થી ૧૨ કેરીનો ઘાણ કાઢી નાંખતા! મઝા આવતી યાર?
પેટછૂટી વાત કરું તો, બંદાને પાઈપલાઈનની પણ સૂઝ નહિ. છતાં વાત મેડીકલ લાઈનની કરું તો, કેરી ખાય તો જ માણસમાં ડાયાબીટીસમાં તેજી આવે! નવાઈ એ વાતની લાગે કે, કેરીને ક્યારેય ડાયાબીટીસ થતો જ નથી. બીજી વાત કે, મીઠાશથી જ જો ડાયાબીટીસ થતો હોય તો પ્રેમમાં પડેલાં લોકો હોસ્પિટલમાં હોવાં જોઈએ! પ્રેમલા-પ્રેમલીઓએ તો કેવું મીઠું મીઠું બોલવાનું હોય?
જો કે, કેરીનો નૈસર્ગિક આનંદ માણવો હોય તો, વસવાટ ગામડામાં જઈને કરવો પડે. ગામડાનું સરનામું હોય તો ઔર મઝા આવે. આંબાઓ સાથે પ્રીત થાય, પક્ષીઓ સાથે ઓળખાણ થાય, કોયલોની ચકાસણીમાં પાર ઊતરેલી અને આપમેળે આંબેથી પડેલી કેરીનો અનોખો આનંદ મળે. એ માટે આંબા તળે રહેવું પડે. રેંક્ડીની ચાહ અને ભજીયાનો સ્વાદ, મોંઘીદાટ ફાઈવ સ્ટાર હોટલ આપી શકતી નથી, એના જેવું! જૂનાગઢની કેસર હોય કે વલસાડની હાફુસ હોય, આજે પણ એનો ઠાઠ નવાબ જેવો! લોકોની દાઢમાં હજી આજે પણ એ સિંહાસન જમાવે. ખાતરી કરવી હોય તો કરી લેજો, આંબાવાડી કંકુવરણી જલ્દી થતી હોય. મંગળ કે શનિના દોષ પણ આડા નહિ આવે! એટલા માટે કે, લોકો પણ વિચારે કે, આવા વિસ્તારમાં વેવાઈવાડો રાખ્યો હોય તો, ઉનાળામાં કેરીગાળો તો માણવાનો મળે.એટલે પ્રત્યેક સફળ પુરુષની પાછળ જેમ સ્ત્રીનો હાથ હોય છે, એમ આ વિસ્તારને કેરીનો સાથ હોય છે!
બાકી, કેરીમાં પણ કર્મનો સિંધ્ધાંત રહેલો છે મામૂ! કયા આંબાને કેટલાં અને કેવાં ફળ આપવાં એનો હવાલો આજે પણ કુદરત પાસે છે. એક જ વિસ્તારમાં એક આંબો કેરીની આવકથી ફાટફાટ થતો હોય, તો નજીકના આંબાને કોઈએ મૂઠ મારી હોય એમ, કેરી માટે મૂંઝારો પણ હોય. કેરીનું કામકાજ પણ નખરાળી વહુ જેવું! વહુ પિયર ગયા પછી આવે કે નહિ આવે, એની ગેરંટી નહિ, એમ કેરીનું પણ નક્કી નહિ! આવે કે નહિ પણ આવે. જો કે, વહુને લાવવાના તો ઉપાય મળી રહે, કેરીને લાવવા માટે તો હવન-પૂજા પણ કામ નહિ આવે.
આંબાની ડાળે લીંબુ-મરચું તો ઠીક, આખી ‘લીંબી’બાંધો તો પણ મેળ ના પડે. જ્યારથી અંબાલાલ પટેલની હવામાનની નજર લાગવા માંડી છે ત્યારથી, આંબાઓ પણ નબળા ગ્રહોની ઝાપટમાં આવવા માંડ્યા. ‘હોલી ડે સ્પેશ્યલ ટ્રેન’માં માંડ ગણી શકાય એટલા પેસેન્જર હોય એમ, કેરીઓ પણ, ગણાય એટલી જ આંબે આવે.
ત્યારે અમુક આંબા ઉપર તો જાણે ‘મ્હોર’નો હટવાડો ભરાયો હોય, એમ ગુચ્છા ને ગુચ્છા આવે. ભરચક દેખાય ખરા પણ ટી.વી.માં આવતા સમાચાર જેવું! દેખાડે તેટલું હોય નહિ, માત્ર દેખાડો જ હોય! એમાં પણ બાળમરણ આવે. જગતના તાતને ‘ઓછા બાળ જય ગોપાળ’થી ઢેકાર ખાવાનો વખત પણ આવે! આંબા ઉપર કેરી કરતાં ચામાચીડિયાં વધારે દેખાય. કેરી જોઇને મોંઢામાં જેને ઝરા ફૂટવા માંડે, મોંઢું લપલપ થવા માંડે તો માનવું કે, કોઈ સુંદરીએ આપણને જોઇને, ‘હાઈ’કહી નાંખ્યું હોય, એવી ગીલીગીલી થવા માંડે. ‘આમ હૈ તો જાન હૈ બોસ!
લાસ્ટ ધ બોલ
ચમનિયો ઘણી વાર કહે કે,
“ડોકટર અને ભગવાન સાથે બગાડવું નહિ. બંને સાથે મધુર-મધુર સંબંધ જ રાખવાના. મધુર મધુર નહિ રહે તો, ‘પોચા-પોચા’પણ સંબંધ રાખવાના. કારણ કે, આપણી જીવાદોરી એમના હાથમાં હોય છે. ગમ્મતની વાત કરું તો, ભગવાન સાથે સંબંધ વણસે તો, એ ડોકટરને ત્યાં મોકલે અને ડોકટર સાથે સંબંધ વણસે તો, એ ભગવાનને ત્યાં મોકલે! ભરોસો નહિ, ક્યા હો જાય! આ તો એક ગમ્મત! પછી તો જેવાં જેનાં કરમ, તેવાં તેને ફળ!
એના કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.