પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીનો મોટો રાજકીય સંદેશ, ડાબેરીથી લઈને રાષ્ટ્રીય પક્ષો સુધી સૌને સાથે આવવા આહ્વાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજ્યની રાજનીતિમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે ભાજપ સામે લડવા માટે તમામ વિરોધ પક્ષોને એક મંચ પર આવવાની અપીલ કરી છે. મમતાએ કહ્યું કે, “આ લડાઈ આપણે સૌએ સાથે મળીને લડવાની છે.”
રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે પોતાના કાલીઘાટ નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે લડવા માટે એક “જોઈન્ટ પ્લેટફોર્મ” બનાવવાની જરૂર છે. તેમણે ડાબેરી પક્ષો, અલ્ટ્રા-લેફ્ટ સંગઠનો, રાષ્ટ્રીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓને પણ આ મંચમાં જોડાવા આમંત્રણ આપ્યું.સાથે જ
મમતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે “શત્રુનો શત્રુ મારો મિત્ર” જેવી રાજનીતિનો સમય ગયો છે અને ભાજપ જ મુખ્ય વિરોધી છે. તેમના નિવેદનને આગામી રાજકીય ગઠબંધન માટેના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે 294 સભ્યોની વિધાનસભામાં 207 બેઠકો જીતીને પ્રથમ વખત રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. બીજી તરફ, છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી ગઈ.
ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મમતાએ આ પ્રતિક્રિયા આપી હતી. ખાસ વાત એ છે કે શુભેંદુ અધિકારી અગાઉ મમતાના નજીકના સાથીદાર માનવામાં આવતા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા છે.
મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સામે હિંસા અને અત્યાચાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના ગુંડાતત્વો રાજ્યમાં અશાંતિ ફેલાવી રહ્યા છે.વધુમાં જણાવ્યું કે 2011માં જ્યારે તેમની સરકાર સત્તામાં આવી હતી ત્યારે તેમણે કોઈ વિરોધ પક્ષ સામે બદલો લેવાની રાજનીતિ નહોતી કરી. મમતાના મતે હાલની પરિસ્થિતિ લોકશાહી માટે ચિંતાજનક છે અને વિરોધ પક્ષોએ સાથે મળીને લોકશાહી બચાવવાની જરૂર છે.
ચૂંટણી પરિણામ બાદ મમતાએ ચૂંટણી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને EVM વ્યવસ્થાપન અંગે અનિયમિતતાના આક્ષેપો કર્યા હતા. જોકે ભાજપે આ તમામ આરોપોને ફગાવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મમતાનું આ નિવેદન માત્ર પશ્ચિમ બંગાળ પૂરતું સીમિત નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ પક્ષોને એકસાથે લાવવાનો પ્રયાસ હોઈ શકે છે. લોકસભા ચૂંટણી અને આગામી રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જી ફરી એકવાર વિરોધી રાજકારણનું કેન્દ્ર બનવા માંગે છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ હવે રાજ્યની રાજનીતિ નવા તબક્કામાં પ્રવેશી રહી છે. એક તરફ ભાજપ પોતાની પ્રથમ સરકારને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ મમતા બેનર્જી વિરોધ પક્ષોને એકત્રિત કરીને ભાજપ સામે મજબૂત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે.