Gujarat

રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી

સુરત : ગુજરાતમાં આગામી દિવસોમાં ઉનાળાનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની વર્તમાન પરિસ્થિતિને જોતા 10 મે બાદ ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર મજબૂત એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની સંભાવના છે, જેના કારણે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે અને સૂર્યના કિરણો સીધા જમીન પર પડતા ગરમીમાં ભારે વધારો થશે.હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ 8 મેથી 14 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીનો માહોલ સર્જાઈ શકે છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અનુભવાતું તાપમાન 50 ડિગ્રીથી પણ વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને ધોળકા, નડિયાદ, અમદાવાદ, વડોદરા, આણંદ, બોરસદ, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, બાયડ, માણસા અને બાવળા વિસ્તારમાં ભારે ગરમીનો પ્રભાવ જોવા મળી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના ગારીયાધાર, પાલિતાણા, ગઢડા, બોટાદ, બરવાળા, પાંચી, ધ્રાંગધ્રા, હળવદ, ખેરાલુ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિશ્લેષકોના જણાવ્યા અનુસાર એન્ટી-સાયક્લોનિક સિસ્ટમના કારણે પવનની ગતિ ઘટશે અને ગરમ હવાની અસર વધુ તીવ્ર બનશે. સતત ખુલ્લા આકાશના કારણે દિવસ દરમિયાન સીધો તાપ વધતા લોકોને ભારે અગવડતા અનુભવાઈ શકે છે.ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને તારીખ 10, 11 અને 12 મે દરમિયાન જરૂર વગર બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવું, શરીરને હાઈડ્રેટ રાખવું અને એસીવાળા વાતાવરણમાંથી સીધા તડકામાં અથવા તડકામાંથી તરત જ ઠંડા વાતાવરણમાં જવાનું ટાળવાની પણ સૂચના આપવામાં આવી છે.આગામી એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ‘રીઅલ સમર’નો અસલી પ્રકોપ જોવા મળી શકે છે, તેથી વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે.

Most Popular

To Top