ગાંધીનગર,
ગુજરાત રાજ્ય હવે ઊર્જા સંગ્રહ ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન બનાવી રહ્યું છે. ભારતના પ્રથમ સોલાર ગામ મોઢેરામાં સફળ અમલીકરણ બાદ રાજ્યમાં કુલ 870 મેગાવોટ ક્ષમતાની પાંચ બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વધુ 13 નવા પ્રોજેક્ટ માટે નોંધણી પણ કરવામાં આવી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી અપનાવી છે. વધારાની સોલાર અને પવન ઊર્જાનો સંગ્રહ કરીને જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરી શકાય તે માટે બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલી વિકસાવવામાં આવી રહી છે.અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં નવી બેટરી સંગ્રહ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપત સહિત કુલ પાંચ સ્થળોએ આવી પ્રણાલીઓ કાર્યરત છે.
રાજ્ય સરકારની સંકલિત નવીનીકરણીય ઊર્જા નીતિ-2025 હેઠળ બેટરી સંગ્રહ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેના આધારે સ્વતંત્ર બેટરી સંગ્રહ પ્રોજેક્ટ તેમજ સોલાર અને પવન ઊર્જા પ્રોજેક્ટ સાથે સંકલિત પ્રણાલીઓને મંજૂરી આપવામાં આવી રહી છે. આગામી સમયમાં ઉદ્યોગો અને વેપારી એકમો માટે પણ આવી સંગ્રહ સુવિધાની નોંધણી શરૂ કરવામાં આવશે.
શા માટે જરૂરી છે બેટરી ઊર્જા સંગ્રહ પ્રણાલી ?
દિવસ દરમિયાન સોલાર ઊર્જાનું ઉત્પાદન વધુ થાય છે, જ્યારે સાંજના સમયે ઉત્પાદન ઘટી જાય છે. આવી સ્થિતિમાં દિવસ દરમિયાન વધારાની ઊર્જાનો સંગ્રહ કરીને સાંજના પીક લોડ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રણાલી વીજ ગ્રીડ પર વધતા ભારને ઘટાડવામાં અને વીજ પુરવઠો સ્થિર રાખવામાં મદદરૂપ બને છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રીડ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગેટકો અને વીજ વિતરણ કંપનીઓ સાથે સંકલન કરીને બેટરી સંગ્રહ માટે યોગ્ય સ્થળોની પસંદગી કરવામાં આવી રહી છે. આ પ્રણાલી માત્ર વીજળીનો સંગ્રહ જ નહીં પરંતુ ઇમરજન્સી બેકઅપ, વોલ્ટેજ નિયંત્રણ અને ગ્રીડ સ્થિરતા માટે પણ ઉપયોગી સાબિત થશે.રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ગુજરાત આગામી સમયમાં ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે અને વર્ષ 2030 સુધીમાં ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.