Gujarat

ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા તરફ આગળ : કેન્દ્રીય મંત્રી

ગાંધીનગર,
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આઈએફએસસીએ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે “ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0”નો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમિટમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર એરક્રાફ્ટ લિઝિંગ ક્ષેત્રમાં દેશ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, એકીકૃત નિયમનકારી વ્યવસ્થા દ્વારા ઉદ્યોગોને વ્યવસાયની સરળતા પૂરી પાડવામાં આવી રહી છે અને ગિફ્ટ સિટીનો વિકાસ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ આપશે.સમિટ દરમિયાન એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્ટાર એર, બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓ વચ્ચે વિવિધ કરારો થયા હતા. સાથે જ ઉડ્ડયન ક્ષેત્ર સંબંધિત વિશેષ અહેવાલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારત માટે વૈશ્વિક નાણાકીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે અને આગામી વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું નાગરિક ઉડ્ડયન બજાર બનશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દાયકામાં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં લિઝિંગ માટે વિશાળ તકો ઉપલબ્ધ બનશે.

તેમણે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પણ જણાવ્યું હતું કે, સમગ્ર તપાસ પારદર્શિતાથી ચાલી રહી છે અને તેનો અહેવાલ એક મહિનામાં જાહેર કરવામાં આવશે. આ દુર્ઘટનામાં ૨૪૨ લોકોનાં મોત થયા હતા.
આ પ્રસંગે ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો, નીતિનિર્માતાઓ, રોકાણકારો અને ઉદ્યોગજગતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top