સુબીર–પિપલદહાડ રોડ પર બાઇક સાગના વૃક્ષ સાથે અથડાતાં ચાલકનું મોત
સાંઈરામ હોટલ નજીક સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત, સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો: ડાંગ જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. સુબીર–પિપલદહાડ રોડ પર સાંઈરામ હોટલ નજીક બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઇક રોડની સાઈડમાં આવેલા સાગના વૃક્ષ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગત 29 એપ્રિલના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યાના અરસામાં સુબીર ગામના રહેવાસી મહેન્દ્રભાઈ કાશીરામભાઈ ગાવિત જેમની ઉંમર 39 વર્ષ જાણવા મળી રહી છે, પોતાના બાઇક નંબર GJ-30-C-1570 લઈને સુબીર ગામથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ સાંઈરામ હોટલ નજીક પહોંચતા અચાનક બાઇક પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે બાઇક સીધી રોડની બાજુમાં આવેલા સાગના વૃક્ષ સાથે અથડાઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સુબીર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
સુબીર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પર હાજર તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા કાશીરામભાઈ ગાવિત દ્વારા સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે તેમજ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસે માર્ગ અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા સ્થળ તપાસ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.