કમિશન એજન્ટો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી માંગો એવી યુવતી સપ્લાય કરી આપતા હોવાનો દાવો
ફેક પ્રોફાઈલ બનાવી ગ્રાહકોને લલચાવતો એજન્ટો સામે પોલીસ કાર્યવાહી કરશે ?


વડોદરા તા 1
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપારનો ધંધો હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પણ સક્રિય કરાયો છે. ત્યારે હવે મકાનો ભાડે રાખીને ચાલતા કુટણખાણાં ઉપરાંત હવે સોશિયલ મીડિયા મારફતે દેહવ્યાપારનો ધંધો ઓનલાઇન કરતી ગેંગ સક્રિય બની હોવાનું સામે આવ્યું છે, એજન્ટો દ્વારા સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોફાઈલ બનાવીને દેહ વ્યાપારના ધંધાની જાહેરાત કરીને ગ્રાહકોને આકર્ષવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર સતર્ક બની આ રેકેટ સામે કાર્યવાહી કરશે ?
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેટલાક એજન્ટો બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કમિશન એજન્ટો સ્થાનિક વિસ્તારોમાં મકાનો ભાડે રાખીને ગુપ્ત રીતે કુટણખાણાં ચલાવે છે અને ગ્રાહકો સુધી યુવતીઓને પહોંચાડે છે. દરેક ડીલમાં આશરે 1200થી 1500 રૂપિયા સુધીનું કમિશન લેવામાં આવે છે.
પોલીસ દ્વારા સમયાંતરે આવા રેકેટ પર કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં હવે આ ગેંગોએ ટેકનોલોજીનો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી, આકર્ષક ફોટા પોસ્ટ કરીને ગ્રાહકોને લલચાવવામાં આવે છે. વિવિધ એપ્લિકેશનો અને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સીધી કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે, જેથી રેકેટ વધુ ઝડપી બની રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હવે ઓનલાઈન એક્ટિવિટી વારા ચલાવવામાં આવી રહેલા રેકેટ પર પર પણ ખાસ નજર રાખી રહી છે? સોશિયલ મીડિયા મારફતે ચાલતા દેહવ્યાપારના નેટવર્કને તોડી પાડવા માટે સાયબર સેલ સાથે સંકલન કરી કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાશે?
વડોદરા શહેરમાં કમિશન એજન્ટો સ્થાનિક સિવાય બહારથી યુવતીઓ બોલાવીને પણ ગ્રાહકોની માગણી સંતોષી રહ્યા છે. ઘણા વિસ્તારોમા સ્પા અને મસાજ પાર્લરોની આડમાં પણ કુટણખાનુ ચલાવાય છે જેના પર પોલીસ રેડ પણ કરતી હોય છે.
– દેહવિક્રયની વેબસાઈટોથી સંસ્કારી નગરીની સંસ્કારીતાને ઠેશ પહોંચશે
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વેબસાઇટના માધ્યમથી ચાલી રહેલા દેહવિક્રયના ગોરખધંધાએ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો આ ગેરકાયદેસર રેકેટ ઓનલાઈન ખુલ્લેઆમ ચાલી શકે છે, તો પોલીસને તેની જાણ ન હોવી શક્ય નથી. છતાંય સમયસર કડક કાર્યવાહી ન થવી શંકાને વધુ મજબૂત બનાવે છે. કેટલીક જગ્યાએ તો પોલીસની સંડોવણી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જે સમગ્ર તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે. આવી પ્રવૃત્તિઓ શહેરની સંસ્કૃતિને કલંકિત કરે છે અને યુવાપેઢી માટે ખતરનાક સંદેશ આપે છે. છતાં, પોલીસ દ્વારા માત્ર દેખાવ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એવું લાગણીજનક વાતાવરણ ઉભું થયું છે. જાહેર જનતામાં માંગ ઉઠી રહી છે કે આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ. નહીં તો “સંસ્કારી નગરી”ની ઓળખ માત્ર નામ પૂરતી જ રહી જશે.