અમલીકરણનો સમયગાળો, 1 મે થી 31 મે, 2026 સુધી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં
(પ્રતિનિધિ), વડોદરા. તા.1
ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 મે 2026 થી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મોટર સાયકલ કે સ્કૂટર જેવા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર અને તેની પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.
આ વખતે પોલીસ વિભાગે કડક વલણ અપનાવતા નિયમની શરૂઆત સરકારી તંત્રથી જ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટના નિયમનું પાલન કરે તે માટે દરેક સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે. જો કોઈ સરકારી કર્મચારી હેલ્મેટ વગર જણાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે.
રાજ્ય માર્ગ સુરક્ષા કાઉન્સિલની અગાઉ મળેલી બેઠકમાં સુરત શહેરમાં હેલ્મેટની સફળ અમલવારીની નોંધ લેવામાં આવી હતી. જેવી રીતે સુરતમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન થાય છે, તેવી જ રીતે હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરો સહિત સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તબક્કાવાર રીતે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.
આ ડ્રાઇવ માત્ર દિવસ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ 00:00 થી 24:00 કલાક સુધી એટલે કે સતત 24 કલાક હેલ્મેટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. દરેક શહેર અને જિલ્લાના પોલીસ વડાઓએ દરરોજ કરેલી કાર્યવાહીનો અહેવાલ (કેટલા કેસ થયા અને કેટલો દંડ વસૂલાયો) બીજા દિવસે સવારે 08:00 વાગ્યા સુધીમાં હેડ ઓફિસને મોકલી આપવાનો રહેશે.
ગુજરાત પોલીસ તમામ નાગરિકોને અપીલ કરે છે કે, દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરે. જો તમે 1 મે થી 31 મે દરમિયાન દ્વિ-ચક્રી વાહન પર બહાર નીકળતા હોવ, તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં.