EVM સ્ટ્રોંગ રૂમ બહાર TMC-BJP વચ્ચે તણાવ, CM મમતા બેનર્જી કલાકો સુધી સ્ટ્રોંગ રૂમમાં રહ્યા હાજર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાન બાદ પરિણામ પહેલા કોલકાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. EVM રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ભારે તણાવ અને હંગામાની સ્થિતિ સર્જાઈ હતી.
માહિતી મુજબ, કોલકાતાના ભવાનિપુર વિસ્તારના EVM સ્ટ્રોંગ રૂમ બહાર TMC નેતાઓ અને કાર્યકરો દ્વારા અનિયમિત તાઓના આરોપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. TMC નેતાઓએ દાવો કર્યો કે સ્ટ્રોંગ રૂમમાં પ્રક્રિયાઓ પારદર્શક રીતે થઈ રહી નથી અને કેટલીક પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગી રહી છે. આ ઘટનાક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી જાતે જ સ્ટ્રોંગ રૂમ સ્થળે પહોંચી અને પરિસ્થિતિનો જાતે જ અંદાજ લીધો. તેઓ લગભગ ત્રણથી ચાર કલાક સુધી સ્ટ્રોંગ રૂમ વિસ્તારમાં હાજર રહીને સુરક્ષા વ્યવસ્થા અને પ્રક્રિયાની સમીક્ષા કરી.
TMCના ગંભીર આરોપ : TMC નેતાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક સ્થળોએ પાર્ટીના પ્રતિનિધિઓને પૂરતી માહિતી આપ્યા વગર સ્ટ્રોંગ રૂમ ખોલવાની તૈયારી થઈ રહી હતી. પાર્ટીના નેતાઓએ કહ્યું કે આવી સંવેદનશીલ પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોને હાજરી માટે જાણ કરવી જરૂરી હોય છે. કેટલાક TMC નેતાઓએ તો એવો પણ આરોપ કર્યો કે બેલેટ બોક્સ અથવા સામગ્રી સાથે ચેડાં થવાની શક્યતા છે, જેને લઈને તેઓએ સ્ટ્રોંગ રૂમ બહાર ધરણાં પણ કર્યા.
BJP અને ચૂંટણી આયોગનો જવાબ
બીજી તરફ BJP તરફથી આ તમામ આરોપોને “અફવા” ગણાવીને નકારી કાઢવામાં આવ્યા છે. ચૂંટણી આયોગે પણ જણાવ્યું છે કે EVM સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે બહુસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ગડબડ શક્ય નથી.
સુરક્ષા માટે CAPF અને સ્થાનિક પોલીસના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે, તેમજ CCTV અને સતત દેખરેખની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મમતા બેનર્જીનો કડક સંદેશ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક નજર રાખવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રહે તે માટે તેઓ ખુદ પણ નજર રાખશે. તેમણે ચેતવણી આપી હતી કે જો EVM સાથે કોઈપણ પ્રકારની ગડબડ થશે તો તે સામે કડક લડત લડવામાં આવશે.