Comments

યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર લાત મારી વિશ્વ અને ભારતના વેપાર પર અસર અને રિફંડની વાસ્તવિકતા

૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ના મતથી ટ્રમ્પ વહીવટ તરફથી લાગુ કરાયેલા વ્યાપક ટેરિફને રદ કર્યા. આ ટેરિફ ૧૯૭૭ના International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લાગુ કરવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સે લખેલા મુખ્ય અભિપ્રાયમાં કહેવામાં આવ્યું કે IEEPAમાં ‘Regulate Importation’ શબ્દો ટેરિફ લગાવવાની સત્તા આપતા નથી. ટેરિફ એક પ્રકારનો કર છે અને કર લગાવવાની સત્તા માત્ર કોંગ્રેસને છે, રાષ્ટ્રપતિને નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમેરિકન કોંગ્રેસ આવી મોટી આર્થિક સત્તા પ્રેસિડેન્ટને આપવા માંગતી હોય તો તેને આ વાત સ્પષ્ટ શબ્દોમાં લખવી જોઈએ, જે IEEPAમાં નથી. આ પહેલાં કોઈ રાષ્ટ્રપતિએ IEEPAનો ઉપયોગ ટેરિફ માટે કર્યો ન હતો. આ ચુકાદો Major Questions Doctrine પર આધારિત છે, જે મહત્ત્વના આર્થિક પ્રશ્નોમાં સ્પષ્ટ કાનૂની અધિકારિતા માગે છે. ટ્રમ્પે આ ટેરિફ ‘Fentanyl Trafficking’ અને ‘Trade Deficit’ જેવાં કટોકટીનાં કારણો આગળ ધરી લાગુ કર્યા હતા, પરંતુ કોર્ટે તેને અમાન્ય ગણ્યા છે. વિશ્વ વેપાર અને વાણિજ્ય પર આ નિર્ણયની વ્યાપક અસરો છે. આ ચુકાદાથી અમેરિકાના સરેરાશ ટેરિફ દર ૧૫.૩%થી ઘટીને ૮.૩% થયા, જે વિશ્વ વેપાર માટે મોટી રાહત છે.

ચીન પરના ટેરિફ ૩૬.૮%થી ૨૧.૨% થયા, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોને પણ ફાયદો થયો. વિશ્વ વેપાર સંસ્થા (WTO) અને અન્ય દેશોના વેપારીઓ માટે અનિશ્ચિતતા ઓછી થઈ, કારણ કે ટ્રમ્પની આવી અચાનક અને આડેધડ ટેરિફ નાખવાની નીતિ આને કારણે અંકુશમાં આવશે. આ ચુકાદાથી અમેરિકાના આયાતકારોને ૧૭૫ અબજ ડૉલર સુધીના રિફંડ મળવાની તક છે. આનાથી વૈશ્વિક સપ્લાય ચેઈનને સ્થિરતા મળશે અને મોંઘવારીમાં રાહત મળવાની અપેક્ષા છે. પરંતુ ટ્રમ્પે તરત જ Section 122 હેઠળ નવા ૧૦-૧૫% ગ્લોબલ ટેરિફ લાગુ કર્યા, તેથી હાલ પૂરતી સંપૂર્ણ રાહત મળી નથી. કોંગ્રેસની સત્તા મજબૂત થઈ છે અને ભવિષ્યમાં વધુ સંતુલિત વેપાર નીતિની આશા છે.

ભારત-અમેરિકા વેપારની વર્તમાન સ્થિતિ :-
૨૦૨૫માં અમેરિકા સાથે ભારતનો કુલ વેપાર ૧૪૯.૪ અબજ ડૉલર (લગભગ ૧૪.૦૮ લાખ કરોડ રૂપિયા) હતો. ભારતની અમેરિકા તરફની નિકાસ ૧૦૩.૮ અબજ ડૉલર (લગભગ ૯.૭૮ લાખ કરોડ રૂપિયા) અને અમેરિકાની ભારત તરફની નિકાસ ૪૫.૬ અબજ ડૉલર (લગભગ ૪.૩૦ લાખ કરોડ રૂપિયા) હતી. અમેરિકાની ભારત સાથેની વેપાર ખાધ ૫૮.૨ અબજ ડૉલર (લગભગ ૫.૪૮ લાખ કરોડ રૂપિયા) રહી.

ટ્રમ્પના ટેરિફની અસર – કેટલો ઘટાડો થયો?
ઑગસ્ટ ૨૦૨૫માં ટ્રમ્પે ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યા. પરિણામે મે ૨૦૨૫માં રહેલી ૮.૮ અબજ ડૉલર (લગભગ ૮૨,૯૧૪ કરોડ રૂપિયા)ની નિકાસ સપ્ટેમ્બરમાં ઘટીને ૫.૫ અબજ ડૉલર (લગભગ ૫૧,૮૨૧ કરોડ રૂપિયા) થઈ ગઈ. એટલે કે માત્ર ૫ મહિનામાં ૩૭.૫% ઘટાડો થયો. ટેક્સ્ટાઈલ, જ્વેલરી, લેધર અને મરીન પ્રોડક્ટ્સ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા.

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય:-
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ના મતથી IEEPA કાયદા હેઠળ લગાવેલા તમામ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ભારત પરનો ૧૮% રેસિપ્રોકલ ટેરિફ હવે સંપૂર્ણ રદ થયો છે. માત્ર સામાન્ય MFN ટેરિફ જ લાગુ રહેશે. જો કે હજુ પણ આ મુદ્દે અનિશ્ચિતતા છે કેમ કે કોર્ટે માત્ર IEEPA હેઠળના ટેરિફને અટકાવ્યા છે. ટ્રમ્પે તરત જ ૧૦% નવા ગ્લોબલ ટેરિફ લાગુ કરી દીધા છે. તેથી પૂરી રાહત હજુ મળી નથી.

રિફંડની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો અમેરિકાની કસ્ટમ્સે ૨૦ એપ્રિલ ૨૦૨૬થી રિફંડ પ્રક્રિયા શરૂ કરી છે. કુલ ૧૬૬ અબજ ડૉલરના ટેરિફ પાછા આપવાના છે, જેમાંથી ભારત સાથે જોડાયેલા આશરે ૧૦-૧૨ અબજ ડૉલર (લગભગ ૯૪,૨૨૦ કરોડથી ૧,૧૩,૦૬૪ કરોડ રૂપિયા) છે. જો કે મહત્ત્વની વાત એ છે કે આ પૈસા અમેરિકાના ઈમ્પોર્ટર્સને મળશે, ભારતીય નિકાસકારને સીધા નહીં. એટલે ભારતીય નિકાસકારોએ અમેરિકન ખરીદાર સાથે બેસીને ડીલ કરવી પડશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ભારતને મોટી રાહત મળી છે, પરંતુ ટ્રમ્પના નવા ટેરિફને કારણે હજુ ટેરિફથી પૂરી મુક્તિ નથી મળી. ૨૦૨૫માં થયેલ ૩૭.૫% નિકાસ ઘટાડાની રિકવરીની આશા છે. નિકાસકારોએ તાત્કાલિક અમેરિકન ખરીદારો સાથે વાત કરીને રિફંડની ડીલ પાકી કરી લેવી જોઈએ. આ ચુકાદો વિશ્વ વેપાર માટે તે સારા સમાચાર છે, પરંતુ સંપૂર્ણ રાહત માટે હજુ રાહ જોવી રહી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ હાલ પૂરતી વેપારને સ્થિરતા આપી છે જે વૈશ્વિક અર્થતંત્રને થોડી શ્વાસ લેવાની તક આપે છે. પરંતુ આ વેપાર યુદ્ધનો અંત નથી.

અમેરિકી સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો માત્ર કાયદાકીય વિજય નથી, પરંતુ તે વૈશ્વિક વેપારની સ્વાયત્તતા અને લોકતાંત્રિક સત્તાના સંતુલનનું પ્રતીક છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રપતિ પાસે કટોકટીના નામે કર લાદવાની નિરંકુશ સત્તા નથી. ભારત માટે આ એક આશાસ્પદ વળાંક છે, કારણ કે નિકાસમાં થયેલો ૩૭.૫%નો મોટો ઘટાડો હવે રિકવરી તરફ વળી શકે છે. જો કે, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા નવા ૧૦% ગ્લોબલ ટેરિફ એ વાતની સાબિતી છે કે ‘ટ્રેડ વોર’ હજુ પૂરેપૂરું શમ્યું નથી.

આગામી સમયમાં ભારતીય નિકાસકારોએ માત્ર રિફંડના સેટલમેન્ટ પર જ નહીં, પરંતુ અમેરિકાની બદલાતી વેપાર નીતિઓ સામે લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બુર્જ ખલીફાની રોશની હોય કે વૈશ્વિક બજારોની સ્થિતિ, અનિશ્ચિતતાના આ યુગમાં સ્થિરતા માત્ર મજબૂત કાયદાકીય રક્ષણ અને કુશળ કૂટનીતિ દ્વારા જ મેળવી શકાશે. હાલ પૂરતી સુપ્રીમ કોર્ટે વિશ્વના અર્થતંત્રને વેન્ટિલેટર પરથી બહાર લાવી શ્વાસ લેવાની તક આપી છે, પરંતુ ભવિષ્યનાં આર્થિક મોજાંઓ સામે સાવધ રહેવું અનિવાર્ય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top