Vadodara

કેનેડા વર્ક પરમિટના નામે વડોદરાના યુવક સાથે રૂ. 8.50 લાખની છેતરપિંડી

નકલી દસ્તાવેજો, બનાવટી વેબસાઈટ અને ઈમેઇલથી ત્રણ વર્ષ સુધી ફરાવ્યો
પૈસા પરત માંગતા એજન્ટ પિતા-પુત્રે જાનથી મારી નાખવાની આપી ધમકી

વડોદરા | તા. 29 એપ્રિલ
વડોદરા જિલ્લાના આજોડ ગામના યુવકને કેનેડા વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને એજન્ટ પિતા-પુત્રે રૂ. 8.50 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખોટા દસ્તાવેજો, બનાવટી વેબસાઈટ અને નકલી ઈમેઇલ દ્વારા ત્રણ વર્ષ સુધી યુવકને વિશ્વાસમાં રાખ્યા બાદ પણ કોઈ વિઝા પ્રક્રિયા ન કરતાં આખરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આજોડ ગામે રહેતા યશ ધવલભાઈ મહેતા વર્ષ 2023 દરમિયાન વિદેશ જવાની ઈચ્છા સાથે પોતાના મિત્ર મારફતે કશ્યપ જિજ્ઞાસુ પટવા સાથે સંપર્કમાં આવ્યા હતા. કશ્યપે પોતાના પિતા અને તિરુપતિ કન્સલ્ટન્સીના સંચાલક જિજ્ઞાસુ પિયુષ પટવા મારફતે કેનેડા વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. બંનેએ વિશ્વાસમાં લઈ આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી 6 જૂન 2023ના રોજ એડવાન્સ રૂપે રૂ. 1.50 લાખ ચેક દ્વારા લીધા હતા.
ત્યારબાદ અલગ-અલગ તારીખે ચેક અને આરટીજીએસ મારફતે કુલ રૂ. 8.50 લાખ વસૂલ કર્યા હતા. ઉપરાંત આઈએલટીએસ કોચિંગના નામે પણ રૂ. 50 હજાર લેવામાં આવ્યા હતા. આરોપીઓએ એલએમઆઈએ અને વર્ક પરમિટ વિઝા થઈ જશે તેવી ખાતરી આપતા રહ્યા, પરંતુ વારંવાર પૂછપરછ છતાં ખોટા દસ્તાવેજો અને બનાવટી ઈમેઇલ બતાવી ત્રણ વર્ષ સુધી માત્ર બહાના જ બતાવ્યા હતા.
યુવકને શંકા જતા જાતે તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની વિઝા પ્રક્રિયા કરવામાં આવી નથી. ત્યારબાદ રૂપિયા પરત માંગતા આરોપીઓએ ઓફિસમાં બોલાવી ગોળમટોળ વાતો કરી અંતે રૂપિયા પરત આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ દરમિયાન આરોપી જિજ્ઞાસુ પટવાએ યશ તથા તેના પરિવારને ધમકી આપતાં કહ્યું હતું કે પોતાની ઉપર સુધી પહોંચ છે, પોલીસ-કોર્ટનો કોઈ ડર નથી અને યશને કોઈ દેશમાં જવા નહીં દેવામાં આવે.
આ બનાવ અંગે છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ⚖️

Most Popular

To Top