પક્ષવિરોધી પ્રવૃત્તિ સામે પંચમહાલ જિલ્લા ભાજપનું સખત વલણ
બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર સામે પગલા
હાલોલ |
હાલોલ તાલુકાની બાસ્કા બેઠક પર થયેલી હાર બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પક્ષના બે સક્રિય કાર્યકરો રામચંદ્ર રમણલાલ બારીયા તથા તેમના ભાઈ રતિલાલ રમણલાલ બારીયાને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં શિસ્ત જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. બંને કાર્યકરો પાર્ટીમાં સક્રિય અને ઓળખ ધરાવતા હોવા છતાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ તેમના વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે.
માહિતી મુજબ, અગાઉ ધારાસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી ટિકિટ ન મળતા બંનેએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ પગલાને ગંભીર શિસ્તભંગ ગણાવી પક્ષે પાંચ વર્ષ માટે સસ્પેન્શનનો નિર્ણય લીધો છે.
જિલ્લા ભાજપના આ પગલાથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ભવિષ્યમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર અથવા અન્ય ઉમેદવારોને સમર્થન આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતિનિધિ: યોગેશ ચૌહાણ