સિંગવડ:
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં ભાજપે પ્રભાવી પ્રદર્શન કરીને તાલુકા પંચાયતની કુલ 18માંથી 15 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતતા તાલુકા સ્તરે પોતાની હાજરી નોંધાવી છે. જિલ્લા પંચાયતની સુડીયા, વાલાગોટા અને મેથાણ બેઠકો પર પણ ભાજપે ભવ્ય જીત મેળવી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

સવારના 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી દરમિયાન તાલુકાભરમાં રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હજારો સમર્થકોની ઉપસ્થિતિને કારણે બજારમાં ભારે ભીડ સર્જાઈ હતી, જ્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતગણતરી માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ગરમીને ધ્યાનમાં રાખીને પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પરિણામ જાહેર થતાં ભાજપના સમર્થકોમાં ડીજે અને ઢોલના તાલે ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. પીપળીયા, વાલાગોટા, છાપરવડ, મછેલાઈ, મેથાણ, પહાડ, પતંગડી, સરજુમી, નાની સંજેલી, સિંગવડ અને સુડીયા સહિતની બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે મંડેર, તારમી અને સિંગાપુર બેઠકો પર AAPએ જીત મેળવી હતી. નોંધનીય છે કે ગત ટર્મમાં માત્ર એક બેઠક ધરાવતી AAPએ આ વખતે ત્રણ બેઠકો જીતતા તેના સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટર: Kalpesh shah