ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ત્રણ બેઠકો પર ઉમેદવારોના અચાનક નિધનને કારણે ચૂંટણી પ્રક્રિયા અટકાવવી પડી હતી. હવે રાજ્ય ચૂંટણી આયોગે આ બેઠકો પર ફરીથી ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યભરમાં આજે મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં કુલ 25,532 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. જોકે, કેટલીક બેઠકો પર ઉમેદવારોના અવસાનને કારણે મતદાન શક્ય બન્યું નહોતું, જેથી આ બેઠકો માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
આ બેઠકો પર ફરીથી થશે ચૂંટણી
- વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક (ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું નિધન થયું હતું)
- સુરતના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક (કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન થયું હતું)
- અમદાવાદના બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક ( ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું નિધન થયું હતું)
ચૂંટણીનો નવો કાર્યક્રમ - 6 મે નોટિફિકેશન જાહેર થશે
- 11 મે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
- 12 મે ઉમેદવારી ફોર્મ ચકાસણી
- 13 મે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ
- 24 મે યોજાશે મતદાન
- 26 મે મતગણતરી હાથ ધરાશે
ચિતરીયા બેઠક પર ઉમેદવારનું નિધન
વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન નિનામા પ્રચાર દરમિયાન અચાનક બીમાર પડ્યા હતા. તેમને તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેઓ વિસ્તારની સક્રિય મહિલા આગેવાન તરીકે ઓળખાતા હતા.
અસ્તાન બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું અવસાન
સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી માંદગી બાદ ચૂંટણી દરમિયાન જ નિધન થયું હતું, જેના કારણે અહીં ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી.
ઉમેદવારોના અવસાન જેવી અનિચ્છનીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે લોકશાહી પ્રક્રિયાને આગળ વધારવા માટે ફરીથી ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.