15 લાખના ટ્રાન્ઝેક્શન સાથે અભિનેત્રી જીયા જૈસમિનની ધરપકડ
MDMA ડ્રગ નેટવર્ક સાથે કનેક્શન સામે આવ્યું; મુંબઈ પોલીસની કાર્યવાહી તેજ : મુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થયેલા ડ્રગ ઓવરડોઝ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં અભિનેત્રી જીયા જૈસમિનની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિના ખાતામાં અંદાજે ₹15 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, કોન્સર્ટ દરમિયાન એક્સ્ટસી (MDMA) ડ્રગના સેવન બાદ બે MBA વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ત્યારબાદ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી જીયા જૈસમિન તથા તેના સાથીદારો મીરા રોડ વિસ્તારમાં રહેતા જૈસમિનના પિતાના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરતા હતા. આ નાણાંનો ઉપયોગ ડ્રગ સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલ વ્યવહારો માટે થતો હોવાનો શંકાસ્પદ ખુલાસો થયો છે.પોલીસે વધુમાં જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધી 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ઘટના બાદ પોલીસને માહિતી મળી હતી કે ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક આરોપીઓ શહેર છોડવાની તૈયારીમાં હતા, જેને પગલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી.
પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં એક્સ્ટસી ગોળીઓ પણ જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે ₹15 લાખથી વધુ હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન અન્ય નાણાકીય વ્યવહારો અને નેટવર્કના વધુ કનેક્શન બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર ડ્રગ સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે. આ કેસ શહેરમાં વધતા ડ્રગ નેટવર્ક સામે પોલીસ માટે મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.