ગાંધીનગર
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અજય બાંભણિયા પર થયેલા કથિત ફાયરિંગના મામલે જિલ્લા પોલીસની તપાસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે, રાજકીય સહાનુભૂતિ મેળવવા અને સામા પક્ષના લોકોને ફસાવવા માટે અજય બાંભણિયાએ પોતે જ પોતાની કાર પર ‘ફેક ફાયરિંગ’નું લોહિયાળ નાટક રચ્યું હતું.
સત્તાની ભૂખમાં રચાયું ‘ફાયરિંગ ડ્રામા’
જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં CCTV ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને FSL રિપોર્ટના આધારે આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અજય બાંભણિયાએ સત્તાની લાલચમાં ગેરકાયદેસર કારતૂસ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સાબિત થયું છે કે રાજકીય સ્વાર્થ ખાતર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુ કરપડાની વાત સાચી ઠરી
આ ઘટનાથી પૂર્વ કિસાન નેતા રાજુ કરપડાની તે ચેતવણી સાચી ઠરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘આપ’ના નેતાઓ સત્તા મેળવવા કોઈપણ હદે જઈ શકે છે. કરપડાએ અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી કે ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવા તત્વો ગમે તેવા નાટકો કરી શકે છે, જે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે.
પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડ
ઉના પોલીસ, LCB અને SOG ની ટીમોએ સઘન તપાસ બાદ અજય ભાણાભાઇ બાંભણિયા વિરુદ્ધ નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
- ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ ૨૧૨, ૨૧૭ અને ૨૧૪.
- આર્મ્સ એક્ટ: કલમ ૩ અને ૨૫(૧-એ).
નોંધનીય છે કે, આરોપી અજય બાંભણિયા અગાઉ પણ હત્યાની કોશિશ અને લૂંટ જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જનતા સમક્ષ ‘આપ’નો ચહેરો ખુલ્લો પડ્યો
આ ઘટનાએ આમ આદમી પાર્ટીની ‘કટ્ટર ઈમાનદારી’ના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે. સામા પક્ષને નીચું દેખાડવા અને સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવેલા આ ‘સુપર ફ્લોપ શો’એ પાર્ટીની માનસિકતા ખુલ્લી પાડી દીધી છે. પ્રજા હવે સમજી ગઈ છે કે સત્તા મેળવવા માટે કાયદો હાથમાં લેતા આવા નેતાઓ જરા પણ અચકાતા નથી.