Vadodara

ભરઉનાળે વડોદરાવાસીઓને માથે પાણીનું સંકટ, 29 મેના રોજ કારેલીબાગ વિસ્તારમાં સવાર-સાંજ પાણી કાપ

મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ શટડાઉનને કારણે હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ બંધ રહેશે, પાલિકાની નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વડોદરા :- શહેરમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ભરઉનાળે પાણીની માંગ ચરમસીમાએ છે, તેવા સમયે કારેલીબાગ વિસ્તારના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 29 મે, 2026 ને શુક્રવારના રોજ કારેલીબાગ પાણીની ટાંકી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સવાર અને સાંજનો પાણી પુરવઠો ગંભીર રીતે ખોરવાશે અથવા ભારે વિલંબથી મળશે. પાલિકા તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને ઉનાળાની આ સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ જરૂર પૂરતો પાણીનો સંગ્રહ કરી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગામી શુક્રવારે કારેલીબાગ રસ/ડી સબ-સ્ટેશન ખાતે જરૂરી મેન્ટેનન્સ માટે સવારે 7:00 વાગ્યાથી સવારના 11:00 વાગ્યા સુધી વીજ શટડાઉન રાખવામાં આવ્યું છે. આ 4 કલાક દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકી ખાતે વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વીજળી ન હોવાના કારણે ટાંકી ખાતે આવેલી હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ ચલાવવી અશક્ય બનશે, જેના લીધે પાણીના વિતરણના સમયપત્રક પર તેની સીધી અને મોટી અસર જોવા મળશે.

વીજ શટડાઉનની અસર માત્ર સવાર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની ચેઈન રિએક્શનના કારણે સાંજનો પાણી પુરવઠો પણ પ્રભાવિત થશે. અસરગ્રસ્ત વિસ્તારોની વિગત નીચે મુજબ છે.

  • ➡️સવારનો ઝોન (પાણી સમયસર નહીં મળે) :- કલાકુંજ સોસાયટી, વૃંદાવન, કૃષ્ણલીલા સોસાયટી, આમ્રપાલી, મુખ્યમંત્રી આવાસ, ફતેપુરા, અમિતનગર, અજિતાનગર અને ભાવનાપાર્ક વગેરે.
  • ➡️સાંજનો ઝોન (પાણી નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું મળશે) :- જ્યોતીપાર્ક, આનંદનગર, સુવિધાપાર્ક, બ્રાઈટ સ્કૂલવાળો ખાંચો, દીપિકા સોસાયટી, અમિતનગર, શાંતિપાર્ક, અંબાલાલપાર્ક, આર્યકન્યા, રણછોડપાર્ક, સોનલપાર્ક, જયગાયત્રીનગર અને અયોધ્યાનગર વગેરે તમામ વિસ્તારો.

પાણી લો-પ્રેશરથી મળશે. વડોદરા કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે આ તમામ વિસ્તારોમાં પાણી ખૂબ જ હળવા દબાણથી અને ખૂબ જ ઓછા સમય માટે આપવામાં આવશે. તેથી નાગરિકોને વિનંતી છે કે તેઓ ગુરુવારથી જ પાણીનો વિવેકપૂર્ણ સંગ્રહ કરી લે જેથી શુક્રવારે ઉનાળાના આકરા તાપમાં કોઈ હાલાકી ભોગવવી ન પડે. તંત્રએ નાગરિકોને આ પરિસ્થિતિમાં સહકાર આપવા વિનંતી કરી છે.

Most Popular

To Top