Business

ઓઇલના ભાવ ઉછળતાં બજાર દબાણમાં, સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. શુક્રવાર, 24 એપ્રિલના રોજ બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારે લગભગ 9:21 વાગ્યે સેન્સેક્સ આશરે 321 પોઈન્ટ ઘટીને 77,342 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 50 પણ લગભગ 89 પોઈન્ટ ઘટીને 24,083 સુધી નીચે આવી ગયો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ મધ્યપૂર્વમાં વધી રહેલો તણાવ અને તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન દ્વારા હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) બંધ કરવામાં આવી છે, જ્યારે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ છે.

છેલ્લા એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 20% સુધીનો વધારો નોંધાયો છે. આજે પણ તેલના ભાવમાં 1%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 106 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, જ્યારે યુએસ ક્રૂડ ઓઈલ પણ 96 ડોલરને પાર કરી ગયું છે. તેલના વધતા ભાવનો સીધો પ્રભાવ શેરબજાર પર પડે છે, કારણ કે તે મોંઘવારી વધારવાનો ખતરો ઊભો કરે છે. રોકાણકારોમાં અનિશ્ચિતતા વધે છે અને તેઓ સાવચેત બનીને વેચવાલી તરફ વળે છે.

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને અમેરિકા-ઈરાન વચ્ચે સ્થગિત શાંતિ વાટાઘાટો પણ ચિંતા વધારવાના મુખ્ય કારણ છે. રોકાણકારો માટે હાલની સ્થિતિ અસ્પષ્ટ છે, કારણ કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે કે વધુ વધશે તે અંગે સ્પષ્ટતા નથી. આ જ કારણોસર એશિયન બજારોમાં પણ નકારાત્મક માહોલ જોવા મળ્યો છે, જેના પ્રભાવથી ભારતીય બજાર પણ દબાણમાં આવ્યું છે. વૈશ્વિક રાજકીય તણાવ, તેલના વધતા ભાવ અને અનિશ્ચિતતા કારણે શેરબજારમાં હાલ નબળાઈ જોવા મળી રહી છે.

Most Popular

To Top