SP ડૉ હરેશ દુધાતે બાળકોને ઓફિસમાં નાસ્તો કરાવી દિલ જીત્યા અને પરિવારને સોંપ્યા
પ્રતિનિધિ ગોધરા તા.22
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય અપહરણના એક ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. મધ્યપ્રદેશના કુક્ષી ખાતેથી અપહરણ કરાયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ દારૂણિયા પાસેથી એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવ્યા છે. આ સફળ ઓપરેશન બાદ પોલીસે મહેસાણાના રહેવાસી આરોપીને ઝડપી પાડી મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી બાળકોનું તેમના પિતા સાથે સુખદ મિલન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના કુક્ષીમાં રહેતા પિન્ટુ રામા ચૌહાણના ઘરે છેલ્લા એક મહિનાથી મહેસાણાનો ધર્મેન્દ્ર ઉર્ફે પ્રતાપ ગંગારામ ઠાકોર નામનો ઓળખીતો રહેતો હતો. ગત તારીખ 21 એપ્રિલ 2026ના રોજ આરોપી ધર્મેન્દ્ર પિન્ટુ ભાઈના છ વર્ષીય પુત્ર અજય અને ચાર વર્ષીય પુત્ર દીપકને મોટરસાયકલ પર નદીએ સ્નાન કરાવવાના બહાને લઈ ગયો હતો. મોડી સાંજ સુધી બાળકો પરત ન ફરતા અને આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા કુક્ષી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર ઘટનાની જાણ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતને કરવામાં આવી હતી.
બનાવની સંવેદનશીલતા સમજીને પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધિ ચૌધરી અને એસપી ડૉ. હરેશભાઈ દુધાતના સીધા માર્ગદર્શન હેઠળ ગોધરા એલસીબી પીઆઇ એ.બી. વોરાએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી. પીએસઆઇ પી.એન. ઝાલા અને એલસીબી સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી હતી. દરમિયાન ગોધરા બાયપાસ રોડ દારૂણિયા પાસેથી અપહરણકર્તા પસાર થતો હોવાની માહિતી મળતા જ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી પ્રતાપ ઉર્ફે ધર્મેન્દ્ર ગંગારામ ઠાકોરને દબોચી લીધો હતો અને બંને બાળકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા.
માનવતા મહેકી ઉઠી, પંચમહાલ એસપી ડૉ હરેશ દુધાતે બાળકોને ઓફિસમાં બેસાડી નાસ્તો કરાવી દિલ જીત્યા

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસની સંવેદનશીલતા અને માનવતાના દર્શન થયા હતા. અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત થયેલા અને ગભરાયેલા બંને માસૂમ બાળકોને પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાતે પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. એક પિતાની જેમ તેઓએ બાળકોની તબિયત વિશે પૂછપરછ કરી, તેમની સાથે પ્રેમથી વાતો કરી અને ઓફિસમાં જ બેસાડીને તેમને નાસ્તો કરાવ્યો હતો. એસપીના આ પ્રેમાળ વ્યવહારથી બાળકોના ચહેરા પર ફરીથી મુસ્કાન આવી ગઈ હતી. ત્યારબાદ બંને બાળકોનું તેમના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોલીસની આ સરાહનીય કામગીરીએ સૌના દિલ જીત્યાં હતા.
રિપોર્ટર: આશિષ બારીયા