India

ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ

કેરળના પ્રસિદ્ધ ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે મંગળવારે એક ભયાનક દુર્ઘટના બની, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્રિશૂર શહેરના મુંડાથિકોડ વિસ્તારમાં આવેલી ફટાકડા યુનિટમાં અચાનક થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટના બપોરના સમયે બની, જ્યારે ઉત્સવ માટે તૈયાર કરવામાં આવેલા ફટાકડાના જથ્થામાં અચાનક આગ લાગી અને થોડી જ વારમાં જોરદાર વિસ્ફોટ થયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી. હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને વિસ્તારમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવ માટે મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ફટાકડાઓ તિરુવંબડી વિસ્તારમાં બનાવાયેલા પાંચ અલગ-અલગ શેડમાં રાખવામાં આવ્યા હતા. મંગળવારે અચાનક એક શેડમાં આગ લાગતા, તે ઝડપથી અન્ય શેડમાં ફેલાઈ ગઈ અને થોડા જ સમયમાં તમામ પાંચ શેડ ભભૂકી ઉઠ્યા. જોતજોતામાં ફટાકડાઓ એક પછી એક ફાટવા લાગ્યા, જેના કારણે વિસ્ફોટ વધુ ભયાનક બની ગયો.

આ દરમિયાન ઉત્સવની તૈયારીને કારણે આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. ઘણા લોકો ધડાધડ ભાગવા લાગ્યા અને ગભરાટનો માહોલ સર્જાયો. ઘટનાસ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે અન્ય લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો ખસેડવામાં આવ્યા.ઈજાગ્રસ્તોમાંથી 18 લોકોને ત્રિશૂર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 8ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બાકીના 22 ઈજાગ્રસ્તોને અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં વ્યસ્ત છે અને ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવવા પ્રયત્નો ચાલુ છે.

‘ત્રિશૂર પૂરમ’ કેરળનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક ઉત્સવ ગણાય છે, જે વડક્કૂનાથન મંદિરમાં દર વર્ષે એપ્રિલ-મે દરમિયાન ઉજવવામાં આવે છે. 18મી સદીથી ચાલી આવતી આ પરંપરામાં સજાવાયેલા હાથીઓ, ચેંડા મેલમનું સંગીત, રંગીન છત્રીઓનું પ્રદર્શન અને ભવ્ય આતશબાજી મુખ્ય આકર્ષણ હોય છે. આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દુર્ઘટનાએ ઉત્સવની ખુશીને શોકમાં ફેરવી દીધી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. સલામતીના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ થશે. આ ઘટના ફરી એકવાર ફટાકડા સંગ્રહ અને ઉપયોગ દરમિયાન કડક સલામતી વ્યવસ્થા રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. હાલ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિને કાબૂમાં લેવા અને પીડિતોને મદદ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top