Vadodara

૧૪૫-માંજલપુર પેટા ચૂંટણીનો ધમધમાટ

માંજલપુર પેટા ચૂંટણી, ચૂંટણી તંત્ર સજ્જ, ૧૮ નોડેલ અધિકારીઓની નિમણૂક સાથે વહીવટી તૈયારીઓનો આરંભ

વડોદરા જિલ્લા કલેક્ટરએ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજવા અધિકારીઓને આપ્યા વિશેષ નિર્દેશો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૩

વડોદરા :- ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા જ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સુચારુ અને પારદર્શક રીતે પાર પાડવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ હેતુસર કુલ ૧૮ નોડેલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમને ચૂંટણીલક્ષી કામગીરી માટે જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ચૂંટણી પંચના નિર્દેશો મુજબ, જિલ્લા ચૂંટણી અધિકારીએ મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેનિંગ, ચૂંટણી સામગ્રી, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અને ચૂંટણી ખર્ચ નિરીક્ષણ જેવા મહત્વના વિભાગો માટે નોડેલ અધિકારીઓ નિયુક્ત કર્યા છે. આ તમામ અધિકારીઓ પોતપોતાના વિભાગોમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરીનું સંચાલન કરશે.

આ નિમણૂકો બાદ કલેક્ટરએ નિયુક્ત કરાયેલા તમામ અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, ન્યાયી અને મુક્ત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિકતા છે. તેમણે અધિકારીઓને ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સતત બાજ નજર રાખવા તાકીદ કરી હતી.

વધુમાં જિલ્લા કલેક્ટરએ માનવ સંસાધન વ્યવસ્થાપન અને કામગીરીમાં ચોકસાઈ રાખવા અંગે અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા તથા પ્રતિપ્રેષક અધિકારી ગીતાબેન દેસાઇ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ માટે વહીવટી તંત્ર દ્વારા વધુ સઘન આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top