World

ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે દૂરના દેશો સુધી પહોંચી રહી છે. ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હાલની પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. હોર્મુઝની ખાડીમાં વધતા સંઘર્ષને કારણે તેલના પુરવઠામાં મોટી અડચણ આવી છે, જેના કારણે બાંગ્લાદેશમાં ઇંધણ સંકટ ઊભું થયું છે. લગભગ 17 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં રોજિંદા જીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બાંગ્લાદેશ તેની કુલ તેલ અને ગેસની જરૂરિયાતમાં લગભગ 95% માટે આયાત પર નિર્ભર છે, જેમાં મોટો હિસ્સો મિડલ ઇસ્ટ દેશોમાંથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટમાં અવરજવર ખોરવાતા ઇંધણની સપ્લાય અટકી ગઈ છે. પરિણામે ઢાકા સહિતના મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે, જ્યાં લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. સરકારે ડિઝલના ભાવમાં 15% નો વધારો કર્યો છે, છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી.

આ ઇંધણ સંકટનો સૌથી મોટો પ્રભાવ દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પડી રહ્યો છે. બાંગ્લાદેશના મોબાઇલ ટેલિકોમ ઓપરેટર્સના સંગઠન (AMTOB) એ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ડિઝલનો પુરવઠો સામાન્ય નહીં થાય, તો દેશનું મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ રીતે બંધ થવાનો ખતરો છે. દેશમાં સતત વીજળી કપાત થઈ રહી છે, જે દરરોજ 5થી 8 કલાક સુધી રહે છે. આવા સમયમાં ટેલિકોમ ટાવર અને ડેટા સેન્ટર્સ ડિઝલ જનરેટર પર ચાલે છે. એક ડેટા સેન્ટર દર કલાકે અંદાજે 500થી 600 લીટર ડિઝલ વાપરે છે, જેથી ઇંધણની અછત સીધી રીતે ઇન્ટરનેટ સેવાઓને અસર કરે છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો માત્ર ઇન્ટરનેટ જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડશે. મોબાઈલ ફાઇનાન્શિયલ સર્વિસ (MFS), ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને SMS બેન્કિંગ જેવી સુવિધાઓ સંપૂર્ણ રીતે ઠપ થઈ શકે છે. ખાસ કરીને બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ, જે દેશની અર્થવ્યવસ્થાની રીડ છે, તે પહેલાથી જ લગભગ 30% સુધી ઘટી ગયો છે. કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાતા ઉત્પાદન અને નિકાસ પર વધુ પ્રતિકૂળ અસર પડશે.

આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો માટે જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે. જો મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ થઈ જશે, તો દેશના કરોડો લોકોનો દુનિયાથી સંપર્ક તૂટી શકે છે. આજના સમયમાં જ્યાં દરેક સેવા ડિજિટલ બની ગઈ છે, ત્યાં ઇન્ટરનેટનો અભાવ જીવનને લગભગ ઠપ કરી શકે છે. આ સમગ્ર સંકટ પાછળનું મુખ્ય કારણ મિડલ ઇસ્ટમાં વધતો તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જતા હોર્મુઝ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ તંગ બની છે. આ રૂટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. જ્યાં સુધી અહીં પરિસ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી બાંગ્લાદેશ જેવા આયાત પર નિર્ભર દેશો માટે આ સંકટ ટળવું મુશ્કેલ છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી હાલત એ સ્પષ્ટ કરે છે કે દુનિયાના કોઈપણ ખૂણે ચાલતો સંઘર્ષ હવે વૈશ્વિક સ્તરે અસરકારક બની શકે છે. ઈંધણની અછતથી લઈને ઈન્ટરનેટ બંધ થવાના ખતરા સુધી, આ સંકટ બતાવે છે કે આધુનિક યુગમાં એક દેશની સમસ્યા બીજા દેશ માટે કેવી રીતે મોટું પડકાર બની શકે છે.

Most Popular

To Top