Gujarat

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી

ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની ગરમી યથાવત્ રહેતાં આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, જો કે આજે ગરમીનો પારો રાજયમાં 41 ડિગ્રીએ પહોચી ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનેક શહેરોમાં ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 40 ડિગ્રી, જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડીસા, કેશોદ અને સુરતમાં 39 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભુજમાં 39 ડિગ્રી, કંડલા વિસ્તારમાં 35 થી 37 ડિગ્રી અને પોરબંદરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન પરિસ્થિતિ અંગે જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે હવામાનમાં સ્થિરતા જોવા મળી રહી છે.

આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 થી 26 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેતાં લોકોને અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે આગાહી મુજબ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.આ સાથે જ 21 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.એકંદરે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતા સાથે કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન પ્રકારના વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

Most Popular

To Top