‘પાંચ વર્ષનો હિસાબ આપો’ના સવાલોથી ઉમેદવારો ઘેરાયા; ઢોલ-નગારાના અવાજથી પ્રશ્નો દબાવવાનો આક્ષેપ
વડોદરા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના વોર્ડ નંબર-7માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ભાજપના ઉમેદવારો ઢોલ-નગારા અને નારાબાજી સાથે પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા, તો બીજી તરફ જાગૃત મતદારો દ્વારા “પાંચ વર્ષનો હિસાબ આપો”ની માંગ ઉઠતા પ્રચાર દરમિયાન તંગ સ્થિતિ સર્જાઈ હતી.
સોમવારે સાંજે ભાજપની પ્રચાર રેલી વોર્ડ-7ના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી ત્યારે અનેક સોસાયટીના રહીશોએ ઉમેદવારોને અટકાવીને સીધા સવાલો કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રોડ-રસ્તા, ઉભરાતી ગટર અને પીવાના શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સંતોષકારક ઉકેલ મળ્યો નથી.
રહીશોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સમસ્યા લઈને ઓફિસે જઈએ ત્યારે કોઈ સાંભળતું નથી, તો આજે કયા મોઢે મત માંગવા આવ્યા છો?” આ નિવેદનોને પગલે વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
પ્રચાર દરમિયાન કેટલાક સ્થળોએ મતદારો પ્રશ્નો પૂછવા આગળ આવતા જ પ્રચાર રેલીમાં સામેલ કાર્યકરો દ્વારા ઢોલ-નગારાનો અવાજ વધુ તેજ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ થયા છે. વિરોધ પક્ષો અને સ્થાનિકોના મતે જનતાના સવાલોથી બચવા માટે ઘોંઘાટનો સહારો લેવામાં આવ્યો હતો.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ વોર્ડ-7માં જોવા મળતી નારાજગી ઉમેદવારો માટે ચિંતાનો વિષય બની શકે છે. અત્યાર સુધી સુરક્ષિત માનાતી બેઠકો પર પણ હવે મતદારોનો વલણ બદલાતું દેખાઈ રહ્યું છે.
હવે પ્રશ્ન એ છે કે ઢોલ-નગારાના તાલે આ વિરોધ શમી જશે કે મતદારો ઈવીએમ મારફતે પોતાનો જવાબ આપશે? હાલ તો વોર્ડ-7માં “પાંચ વર્ષનો હિસાબ”નો મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી ગાજી રહ્યો છે.