India

મોહન ભાગવતની Z+ સુરક્ષા ખર્ચ વસૂલવાની માંગ કરતી PIL બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી

અરજી પાછળના હેતુ પર ઉઠ્યા સવાલ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને આપવામાં આવતી Z+ કેટેગરીની સુરક્ષાનો ખર્ચ તેમની પાસેથી વસૂલ કરવાની માંગ કરતી જાહેર હિત અરજી (PIL) ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે અરજીના હેતુ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

આ અરજી નાગપુરના રહેવાસી લલન સિંહ દ્વારા તેમના વકીલ આશ્વિન ઇંગોલે મારફતે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહન ભાગવતને આપવામાં આવતી Z+ સુરક્ષા પર દર મહિને અંદાજે 40 થી 45 લાખ રૂપિયા ખર્ચ થાય છે અને આ ખર્ચ જાહેર નાણાંનો દુરુપયોગ છે.

કોર્ટે અરજીના હેતુ પર ઉઠાવ્યા સવાલ : મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ અનિલ કિલોરની ડિવિઝન બેન્ચે અરજીને ફગાવતા કહ્યું કે અરજી પાછળનો હેતુ શંકાસ્પદ જણાય છે. કોર્ટે આ અરજી જાહેર હિતમાં હોવા અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

અરજીમાં શું દલીલ કરવામાં આવી હતી? : અરજદારે દલીલ કરી હતી કે આરએસએસ એક રજિસ્ટર્ડ સંસ્થા નથી, છતાં તેના પ્રમુખને આપવામાં આવતી ઉચ્ચ સ્તરની સુરક્ષા માટે સરકારના નાણાં ખર્ચવામાં આવે છે, જે રાજ્યના ખજાનાને નુકસાન પહોંચાડે છે. તેથી આ સુરક્ષા ખર્ચ મોહન ભાગવત પાસેથી વસૂલ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણી કેસનો પણ આપવામાં આવ્યો ઉલ્લેખ : અરજદારે 2023ના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને આપવામાં આવતી Z+ સુરક્ષાનો ખર્ચ તેઓએ જાતે જ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિગતવાર આદેશ હજુ બાકી : હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ કેસ સંબંધિત વિગતવાર આદેશ હજુ જાહેર થવાનો બાકી હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top