ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી; મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રદ, સંડોવાયેલા સામે ફોજદારી કાર્યવાહી શરૂ
વડોદરા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા જોખમી Mounjaro KwikPen ઇન્જેક્શનના ગેરકાયદેસર ઓનલાઇન વેચાણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મદદનીશ કમિશનર આર. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ઔષધ નિરીક્ષકોની ટીમે 22 ડિસેમ્બર 2025ના રોજ હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન Hexpress Healthcare Consumer Pvt. Ltd. તથા Medicament Solutions Pvt. Ltd.ની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા તંત્ર દ્વારા બંને સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મેદસ્વીતા ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનનું www.aktive.co.in વેબસાઇટ મારફતે ભ્રામક જાહેરાતો દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. અધિકારીઓએ બનાવટી ગ્રાહક બની ઓનલાઇન ઓર્ડર મૂકી પાર્સલ મેળવ્યા બાદ પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસમાં ખુલ્યું કે સંકળાયેલા ઈસમો દ્વારા ડૉક્ટરની સલાહ કે માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર જ દર્દીઓને સીધા ઘર સુધી કુરિયર મારફતે ઇન્જેક્શન મોકલવામાં આવતું હતું. દવાના ગંભીર આડઅસરો છુપાવી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોવાનું પણ સામે આવ્યું છે.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના ભંગ બદલ Medicament Solutions Pvt. Ltd.નું લાયસન્સ તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત સંડોવાયેલા તમામ ઈસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ⚖️
તંત્રએ ચેતવણી આપી છે કે “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનનો તબીબી દેખરેખ વિના ઉપયોગ કરવાથી કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડને ગંભીર નુકસાન થઈ શકે છે અને વધુ ડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વજન ઘટાડવા જેવી બાબતો માટે સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ પરની લોભામણી જાહેરાતોથી ભ્રમિત ન થવું અને કોઈપણ એલોપેથિક દવા હંમેશા નોંધાયેલ મેડિકલ સ્ટોર પરથી તથા નિષ્ણાત તબીબની સલાહ મુજબ જ ખરીદવી.